Mon Oct 05 2026

Logo

સાયબર ફ્રોડ અને ઑનલાઈન ગૅમિંગ ઍપ માટે બૅન્ક એકાઉન્ટ-સિમ કાર્ડ પૂરાં પાડનારા પકડાયા

2026-07-04 20:17:03
Author: Yogesh C. Patel
સાયબર ફ્રોડ અને ઑનલાઈન ગૅમિંગ ઍપ માટે બૅન્ક એકાઉન્ટ-સિમ કાર્ડ પૂરાં પાડનારા પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દુબઈથી ઑપરેટ કરાતા સાયબર ફ્રોડ અને ઑનલાઈન ગૅમિંગ ઍપ માટે બૅન્ક એકાઉન્ટ અને સિમ કાર્ડ પૂરાં પાડનારી ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે દક્ષિણ મુંબઈથી પકડી પાડી હતી. આરોપી પાસે 142 કરન્ટ બૅન્ક એકાઉન્ટનાં એક્સિસ હતાં, જેમાં જમા થયેલી ફ્રોડની રકમ અન્યત્ર વાળવામાં આવતી હતી.ડીસીપી રાજતિલક રોશને જણાવ્યું હતું કે મસ્જિદ બંદરના ઈસાજી સ્ટ્રીટમાં આવેલી પાર્શ્ર્વ ચેમ્બર્સમાં બોગસ ઓવરસીઝ કંપનીની ઑફિસ આવેલી છે, જેના કર્મચારી સાયબર ફ્રોડમાં સંડોવાયેલાઓને મદદ કરતા હોવાની માહિતી મળી હતી. માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-બેના અધિકારીઓએ શુક્રવારે પાર્શ્ર્વ ચેમ્બર્સના ત્રીજા માળે આવેલી રૂમમાં રેઇડ કરી હતી.

કંપનીની ઑફિસમાંથી મુખ્ય આરોપી સહિત છ જણની ધરપકડ કરવામાં આવી હતી. તેમની વિરુદ્ધ પાયધુની પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીઓને 8 જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.ઑફિસમાંથી વિવિધ બૅન્કનાં 66 એટીએમ કાર્ડ, બે કમ્પ્યુટર, પ્રિન્ટર, 12 સિમ કાર્ડ, વિવિધ બૅન્કની 15 પાસબુક, 122 ચેકબુક અને 68 રબર સ્ટેમ્પ જપ્ત કરવામાં આવ્યા હતા. એ સિવાય વિવિધ બૅન્કમાં ખાતાં ખોલવાનાં ફૉર્મ અને વિજબીલો સહિતના દસ્તાવેજો પણ મળ્યા હતા.

આરોપીઓ બોગસ દસ્તાવેજોની મદદથી સિમ કાર્ડ મેળવતાં. પછી વિવિધ બૅન્કમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવતાં હતાં. એકાઉન્ટ અને સિમ કાર્ડ ઍક્ટિવેટ કર્યા પછી બૅન્ક ખાતાંની વિગતો અને સિમ કાર્ડ દુબઈ મોકલતા હતા. આ સિમ કાર્ડ અને બૅન્ક ખાતાંનો ઉપયોગ સાયબર ફ્રોડ અને ગૅમિંગ ઍપથી રકમ પ્રાપ્ત કરવામાં થતો.આરોપી પાસે 142 જેટલાં બૅન્ક એકાઉન્ટનું એક્સિસ હતું. સાયબર ફ્રોડ દ્વારા પ્રાપ્ત કરેલી રકમ આ બૅન્ક ખાતાંમાં જમા થતી. પછી આરોપી કમિશન મેળવીને એ રકમ અન્ય ખાતાંમાં ટ્રાન્સફર કરતા હતા.