Mon Sep 07 2026

Logo

ફ્રોડના જમાનામાં પ્રામાણિકતા જીવંત: રાજકોટ RPFએ મુસાફરની ₹૧.૧૨ લાખની બેગ સહીસલામત પરત કરી

2026-07-04 22:03:01
Author: Devayat Khatana
ફ્રોડના જમાનામાં પ્રામાણિકતા જીવંત: રાજકોટ RPFએ મુસાફરની ₹૧.૧૨ લાખની બેગ સહીસલામત પરત કરી

અમદાવાદ: આજે જ્યારે આપણે સમાચારપત્ર ખોલીએ ત્યારે કોઈને કોઈ તો ઓનલાઇન છેતરપિંડીના સમાચાર તો વાંચવા તો મળે જ. આજના છેતરપિંડીથી ભરેલા જમાનામાં હજુ માનવતા અને પ્રામાણિકતા જીવે જ છે અને રાજકોટમાં એક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ટ્રેનમાં પોતાની 1.12 લાખના સમાન સાથેની કિંમતી બેગ ભૂલી ગયેલા મુસાફરને RPF ના સ્ટાફે બેગ તેના માલિકને પરત કરી હતી. 

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનની રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ મુસાફરોની સુરક્ષા અને સેવા પ્રત્યેની પોતાની કટિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે. 'ઓપરેશન અમાનત' હેઠળ, RPF ટીમે ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસમાં એસ્કોર્ટ ડ્યુટી દરમિયાન કોચ B-6 ની સીટ નંબર 54 પરથી એક કાળા રંગની બિનવારસી બેગ શોધી કાઢી હતી. TTE (ટિકિટ ચેકર) સાથેના ત્વરિત સંકલન અને સતર્કતાને પગલે ટીમે સમયસર સાચા મુસાફરનો સંપર્ક કરીને તેમના સામાનને સુરક્ષિત કર્યો હતો અને પોતાની વ્યાવસાયિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ. 

આ બેગમાં એક લેનોવો લેપટોપ, ₹૨,૨૭૦ રોકડા અને એક મોબાઈલ ચાર્જર હતા, જેની કુલ કિંમત અંદાજે ₹૧,૧૨,૨૭૦ જેટલી થવા જાય છે. કાયદેસરની ખાતરી કર્યા બાદ, રાજકોટ ખાતેની RPF રિઝર્વ્ડ કંપની ઓફિસમાં આ સામાન તેના મૂળ માલિકને સહીસલામત પરત સોંપવામાં આવ્યો હતો. પોતાની કિંમતી વસ્તુઓ પરત મળતા મુસાફરે RPF રાજકોટની પ્રામાણિકતા, ત્વરિત પ્રતિસાદ અને સમર્પિત સેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

તે ઉપરાંત જૂન 2026 દરમિયાન પશ્ચિમ રેલવેના આરપીએફ રાજકોટ ડિવિઝન દ્વારા જૂન મહિનામાં રૂ. 4.60 લાખની કિંમતનો ગુમ થયેલો સામાન 27 મુસાફરોને સુરક્ષિત પરત આપવામાં આવ્યો હતો. 2 બાળકોને સુરક્ષિત રીતે તેમના પરિવાર સાથે મિલાવવામાં આવ્યા હતાં.