Mon Sep 07 2026

Logo

ગુવાહાટીમાં શ્રદ્ધા વાલકર જેવો ભયાનક હત્યાકાંડ: પતિએ પત્નીનું માથું કાપી ફ્રિજમાં મૂક્યું, દુર્ગંધ આવતા....

2026-09-07 13:51:58
Author: Vimal Prajapati
ગુવાહાટીમાં શ્રદ્ધા વાલકર જેવો ભયાનક હત્યાકાંડ: પતિએ પત્નીનું માથું કાપી ફ્રિજમાં મૂક્યું, દુર્ગંધ આવતા....

ગુવાહાટી: આસામના ગુવાહાટી શહેરમા દિલ્હીના ચર્ચિત શ્રદ્ધા વાલકર હત્યાકાંડ જેવી જ એક અત્યંત સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક પતિએ પોતાની પત્નીની ઘાતકી હત્યા કર્યા બાદ તેના શરીરના ટુકડા કરી દીધા છે. આરોપીએ પત્નીનું ધડથી અલગ કરેલું માથું પ્લાસ્ટિકની કોથળીમાં લપેટીને ફ્રિજમાં સંતાડી દીધું હતું, જ્યારે લોહીથી લુહાણ ધડ ઓરડાના ફ્લોર પર જ સડવા દીધું હતું.

બુટિકમાં કામ કરતી રિયાની દર્દનાક હત્યા

આ દર્દનાક ઘટના ગુવાહાટીના બેલ્ટોલા વિસ્તારમાં આવેલા વસિષ્ઠપુર હાટીગાંવ ખાતે બની હતી. મૃતક મહિલાની ઓળખ 25 વર્ષીય રિયા તાલુકદાર તરીકે થઈ છે, જે એક બુટિકમાં નોકરી કરતી હતી. રિયાના થોડા મહિના પહેલા જ કેબ ડ્રાઈવર રામાનુજન ગોસ્વામી સાથે લગ્ન થયા હતા. લગ્નના ટૂંક જ સમયમાં આરોપી પતિએ પત્ની આંગળીઓ અને માથું કાપીને હત્યા કરી નાખી હોવાનું પ્રકાશમાં આવતા આ કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસ બોલાવી

રવિવારે રાત્રે બંધ ઘરની આસપાસના પાડોશીઓને અસહ્ય તીવ્ર દુર્ગંધ આવતાં શંકા ગઈ હતી. કોઈ અનિષ્ટ બન્યું હોવાની આશંકાથી સ્થાનિકોએ તુરંત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મકાન ખોલાવતાં અંદરનું દ્રશ્ય જોઈને પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તબીબી અનુમાન મુજબ મહિલાની હત્યા અંદાજે 24થી 48 કલાક પહેલાં કરવામાં આવી હતી.

આરોપી પતિની ધરપકડ અને તપાસ શરૂ

ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરવા માટે CID અને ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી હતી. પોલીસે મકાન નજીક ટ્રેપ ગોઠવીને કામ પરથી પરત ફરેલા આરોપી પતિ રામાનુજન ગોસ્વામીને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. હાલમાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગુવાહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલ મોકલી આપી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.