Sat Sep 12 2026

Logo

મુંબઈ લોકલ ટ્રેન પર પથ્થરમારો: હાર્બર લાઈન પર દોડતી ટ્રેનના ગાર્ડ લોહીલુહાણ, અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ

2026-07-04 20:32:39
Author: Darshana Visaria
મુંબઈ લોકલ ટ્રેન પર પથ્થરમારો: હાર્બર લાઈન પર દોડતી ટ્રેનના ગાર્ડ લોહીલુહાણ, અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ

નવી મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરો અને રેલ્વે સ્ટાફની સુરક્ષા સામે ફરી એકવાર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે. નવી મુંબઈમાં હાર્બર રેલ્વે લાઈન પર જુઈનગર સ્ટેશન નજીક એક દોડતી લોકલ ટ્રેન પર અજાણ્યા વિકૃત ઈસમે લોહીલુહાણ પથ્થરમારો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ હુમલામાં ટ્રેનના ગાર્ડ સુનીલ કુમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને રેલવે પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

ગાર્ડ કેબિનની બારીમાંથી મોટો પથ્થર અંદર ઘૂસ્યો

મળતી માહિતી મુજબ, મુંબઈ સીએસએમટીથી પનવેલ તરફ જઈ રહેલી લોકલ ટ્રેન જ્યારે જુઈનગર સ્ટેશન નજીક પહોંચી, ત્યારે પાટાની બાજુમાં સંતાઈને બેઠેલા એક અજાણ્યા વ્યક્તિએ ટ્રેન તરફ એક મોટો પથ્થર ફેંક્યો હતો. આ ભારે પથ્થર ટ્રેનની પાછળના ભાગમાં આવેલી ગાર્ડ કેબિનની બારીનો કાચ તોડીને સીધો અંદર ઘૂસી ગયો હતો. પથ્થર વાગવાને કારણે ગાર્ડ સુનીલ કુમારના માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓ કેબિનની અંદર જ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા.

હોસ્પિટલમાં દાખલ, હાર્બર લાઈનનો વાહનવ્યવહાર ખોરવાયો

ઘટનાની જાણ થતાં જ જુઈનગર સ્ટેશનના રેલ્વે સ્ટાફ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સના જવાનો તાત્કાલિક મદદ માટે દોડી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ગાર્ડને તુરંત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ પર તબીબો નજર રાખી રહ્યા છે. આ અણધારી ઘટનાને કારણે હાર્બર લાઈન પરની લોકલ ટ્રેન વ્યવહાર થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો, જેના લીધે મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. વાશી રેલ્વે પોલીસે આ મામલે અજ્ઞાત હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

હુમલાખોરને પકડવા માટે પોલીસે જુઈનગર સ્ટેશનની આસપાસ અને રેલ્વે ટ્રેકની નજીક આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારના સીસીટીવી ફૂટેજ યુદ્ધના ધોરણે તપાસવાનું શરૂ કર્યું છે. આ પથ્થરમારો માત્ર દોડતી ટ્રેન પર પથ્થર ફેંકીને વિકૃત આનંદ મેળવવા માટે કરાયો હતો કે પછી આની પાછળ કોઈ મોટું ષડયંત્ર હતું તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. બીજી તરફ, રેલ્વે કર્મચારી સંગઠનોએ આ ઘટના અંગે તીવ્ર રોષ વ્યક્ત કરીને માગ કરી છે કે આવા વિકૃત તત્વોને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અને રેલ્વે સ્ટાફને પૂરતી સુરક્ષા આપવામાં આવે.