મૅન્ચેસ્ટરઃ સચિન તેન્ડુલકરે 1989ની 15મી નવેમ્બરે 16 વર્ષની ઉંમરે પાકિસ્તાનના કરાચીની ટેસ્ટમાં રમીને આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરી હતી, જ્યારે સૌથી ઓછી વયે ઇન્ટરનૅશનલ કરીઅર શરૂ કરનાર ભારતીય તરીકે શનિવારે તેનો 37 વર્ષ જૂનો વિક્રમ તોડનાર વૈભવે ઇંગ્લૅન્ડના મૅન્ચેસ્ટર શહેરના ઑલ્ડ ટ્રેફર્ડના મેદાન પરથી કારકિર્દીનો આરંભ કર્યો.
યોગાનુયોગ, સચિન (Sachin)ની માફક વૈભવ પણ પ્રથમ આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં સારું ન રમી શક્યો. સચિન 1989માં પોતાના પ્રથમ દાવમાં 15 રનના પોતાના સ્કોર પર ફાસ્ટ બોલર વકાર યુનુસના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. વૈભવે શનિવારે બે સિક્સરથી બનેલા 14 રનના પોતાના સ્કોર પર સ્પિનર વિલ જૅક્સના બૉલમાં વિકેટ ગુમાવી હતી. વૈભવ (Vaibhav) વિકેટકીપર જૉશ બટલરના હાથે સ્ટમ્પ-આઉટ થયો હતો.
સચિનની 1989ની ટેસ્ટના બીજા દાવમાં બૅટિંગ નહોતી આવી અને એ ટેસ્ટ ડ્રૉમાં પરિણમી હતી. નવાઈની વાત એ છે કે ડિસેમ્બર, 1989માં સચિન કરીઅરની પહેલી વન-ડે રમ્યો હતો અને એમાં (પોતાના બીજા જ બૉલ પર) વકાર યુનુસના બૉલમાં વસીમ અકરમના હાથમાં કૅચઆઉટ થયો હતો.
મહાન બૅટ્સમૅન સચિન સાથે વૈભવની સરખામણી તો થઈ જ ન શકે, પણ વૈભવ આઇપીએલમાં જે ધમાકેદાર ઇનિંગ્સ રમતો હોય છે એ જોતાં તે ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન સિરીઝમાં રાજસ્થાન રૉયલ્સ વતી કર્યા હતા એવા થોડા ધમાકા તો કરશે જ.