Thu Sep 10 2026

Logo

થાણેમાં કેડબરી જંકશન પર ટેન્કર પલટી ખાતા મુંબઈ-નાશિક હાઈવે પર ટ્રાફિક જૅમ

2026-06-30 20:05:55
Author: Sapna Desai
થાણેમાં કેડબરી જંકશન પર ટેન્કર પલટી ખાતા મુંબઈ-નાશિક હાઈવે પર ટ્રાફિક જૅમ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મુંબઈ-નાશિક હાઈવે પર કેડબરી જંકશન પરિસરમાં મંગળવારે બપોરના એક સિમેન્ટ લઈ જનારું ટેન્કર પલટી ખાઈ જતા એક્સિડન્ટ થયો હતો, જેને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. ઘોડબંદર રોડ અને ભિવંડી તરફ જનારા વાહનોને આ એકિસડન્ટને કારણે ફટકો પડયો હતો.નવી મુંબઈ જેએનપીએ, ભિવંડી, નાશિક અને સમૃદ્ધી હાઈવે પરથી થાણે, ઘોડબંદર, ગુજરાત તરફ ભારે વાહનો અવરજવર કરતા હોય છે. ભારે વાહનોને થાણેના માજિવાડા ચોકમાં પ્રવેશ પર પ્રતિબંધ હોવાથી ભારે વાહનોને માજિવાડા ફ્લાયઓવર પરથી કેડબરી જંકશનથી ટર્ન લઈને ઘોડબંદર અથવા ગુજરાત દિશામાં પ્રવાસ કરવો પડે છે.

આ વળાંક તીવ્ર હોવાથી અનેક વખત અહીં એક્સિડન્ટ થતા હોય છે. તેમ જ મુંબઈ, નવી મુંબઈથી આવતા હજારો હલકા વાહનો પણ આ જ માર્ગથી થાણે દિશામાં પ્રવાસ કરે છે. તેથી આ થાણે જિલ્લામાં વાહનવ્યવહાર માટે મહત્ત્વનો માર્ગ ગણાય છે. મંગળવારે બપોરે લગભગ પોણા ત્રણ વાગ્યાની આસપાસ અહીં વળાંક પર ટેન્કરે પલટી ખાતા ભારે ટ્રાફિક થઈ ગયો હતો.આ ટેન્કર મુંબઈ-નાશિક હાઈવે પરથી ઘોડબંદર તરફ જઈ રહ્યું હતું, જેમાં પચાસ ટન વજનની સિમેન્ટ હતી. કેડબરી જકંશન પર વળાંક લેતા સમયે ટેન્કર પલટી ખાઈ ગયું હતું. તેને પગલે હાઈવે પર કેડબરી જંકશનથી નિતીન કંપની સુધી વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. ટ્રાફિકને કારણે ઘોડબંદર, ભિવંડી, માજિવડા, વસંત વિહારની દિશામાં પ્રવાસ કરનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક પોલીસ, થાણે પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયરબ્રિગેેડે ભારે જહેમત બાદ ટેન્કરને ઊભો કરીને ટ્રાફિક પૂર્વવત્ કર્યો હતો.