(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘અલ-નિનો’ ઈફેકટ વચ્ચે આ વર્ષે ચોમાસું સરેરાશ કરતા નબળું રહેવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. છતાં ચોમાસાના ચાર મહિનામા સામાન્ય રીતે જુલાઈમાંં વરસાદનું પ્રમાણ વધુ રહેતું હોવાથી મુંબઈગરાને ૧૬ જુલાઈના સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવી છે. ચોમાસાના ચાર મહિનામાં સૌથી મોટી ભરતી ૧૬ જુલાઈના છે, તે દિવસે દરિયામાં મોજાં ૪.૮૯ મીટરથી પણ ઊંચા ઊછળશે.
ચોમાસામાં આ વર્ષે ૨૪ દિવસ દરિયામાં મોટી ભરતી રહેવાની છે, જ્યારે દરિયામાં મોજાં ૪.૫ મીટરથી પણ ઊંચા ઊછળશે. ૪.૫ મીટરથી ઊંચા મોજાં ઊછળે તો તેને જોખમી માનવામાં આવે છે. સૌથી મોટી ભરતી ૧૬ જુલાઈ, ગુરુવારના છે. બપોરના ૧.૩૬ વાગ્યાથી ભરતી શરૂ થશે અને મોજા ૪.૮૯ મીટરથી પણ ઊંચા ઉછળશે. તેથી એ દિવસે મુંબઈમાં મુશળધાર વરસાદ પડ્યો તો મુંબઈ જળબંબાકાર થવાની શક્યતા છે.
અન્ય નોંધપાત્ર ભરતીનો સમયગાળો ૧૪ જૂનથી ૧૯ જૂનનો છે, જેમાં ૧૬ જૂનના બીજા નંબરની મોટી ભરતી રહેશે. એ દિવસે બપોરના ૧.૦૫ વાગે ભરતી સમયે દરિયામાં ૪.૮૭ મીટરથી પણ ઊંચા મોજાં ઊછળશે અને બીજા દિવસે જ એટલે કે ૧૭ જૂનના બપોરના ૨.૪૪ વાગે ભરતી રહેશે અને એ સમયે દરિયામાં ૪.૭૮ મીટરથી પણ ઊંચા મોજાં ઊછળશે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ૧૩ જુલાઈથી ૧૮ જુલાઈ આ છ દિવસ દરમ્યાન મોટી ભરતી સમયે દરિયામાં ૪.૫૩થી ૪.૮૯ મીટર સુધીના ઊંચા મોજાં ઉછળશે, જેમાં સૌથી મોટી ભરતી ૧૬ જુલાઈના બપોરના હશે અને દરિયામાં ૪.૮૯ મીટરથી ઊંચા મોજાં રહેશે. ઑગસ્ટમાં પાંચ દિવસ મોટી ભરતી રહેશે, જેમાં ૧૨થી ૧૬ ઑગસ્ટના બપોરના સમયે ૪.૫૦ મીટરથી લઈને ૪.૮૩ મીટર સુધી ઊંચા મોજાં ઉછળશે. સપ્ટેમ્બરમાં સાત દિવસ મોટી ભરતી રહેશે, જેમાં ૧૦,૧૧,૧૨,૧૩ ના બપોરના સમયે ભરતી હશે. એ બાદ ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરના રાતના સમયે મોટી ભરતી રહેશે.
દરિયામાં વરસાદી પાણીને ઠાલવવામાં માટેના ફ્લેડ ગેટ ભરતી સમય બંધ કરી દેવામાં આવતા હોય છે, તેથી શહેરમાં એ સમયે ભારે વરસાદ હોય તો પાણીનો નિકાલ થઈ શકતો નથી અને એવા સંજોગોમાં શહેરમાં પાણી ભરાઈ જતા હોય છે અને પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે.