(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપરથી વર્સોવા વચ્ચે દોડતી મુંબઈ મેટ્રો-વન રેલમાં કથિત રીતે ગાંજો લઈ જનારી વ્યક્તિને મેટ્રો વનની સુરક્ષા ટીમે પકડી પાડ્યો હતો.મુંબઈ મેટ્રો વન પ્રા. લિ.ના સ્ટેશન પર તહેનાત સતર્ક મહિલા સુરક્ષા ગાર્ડે એરપોર્ટ મેટ્રો સ્ટેશન પર નિયમિત સામાન તપાસ દરમિયાન શંકાસ્પદ માદક પદાર્થ લઈ જતા પ્રવાસીને શોધી કાઢીને અસાધારણ સતર્કતા અને હિંમત દર્શાવી હતી.
મેટ્રો વનના પ્રવક્તાના જણાવ્યા મુજબ ઘાટકોપર બાઉન્ડ એન્ટ્રી પોઈન્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન મહિલા સુરક્ષા ગાર્ડ કંચન પાંડેએ નિયમિત સામાન તપાસ દરમિયાન એક પ્રવાસીની બેગમાં શંકાસ્પદ સામાન જોવા મળ્યો હતો. તેથી તેણે સંપૂર્ણ રીતે તપાસ કરતા બેગમાંથી શંકાસ્પદ ગાંજાના નવ પેકેટ મળી આવ્યા હતા. સુરક્ષા ગાર્ડની સતર્કતાને કારણે બેગ પકડાઈ જતા કથિત આરોપીએ સ્ટેશન પરથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો પણ કંચન પાંડેએ તાત્કાલિક ફરજ પરના સુરક્ષા કર્મચારીઓને ચેતવણી આપી હતી, જેના પગલે સુરક્ષા ટીમ દ્વારા પ્રવાસીનો પીછો કરીને તેને પકડી લેવામાં આવ્યો હતો.
સુરક્ષા અધિકારી, સુપરવાઇઝર અન્ય ફરજ પરના સુરક્ષા કર્મચારીઓના પ્રયાસને પગલે ભાગી જતા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો, તેની પાસેથી જપ્ત કરાયેલા શંકાસ્પદ માદક દ્રવ્ય સહિત તેને તાત્કાલિક અંધેરી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. યુવક સામે એફઆઈઆર નોંધવામાં આવ્યો છે અને પોલીસ અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.