(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મેટ્રો-થ્રીના અંડરગ્રાઉન્ડ સ્ટેશન ટર્મિલન-ટૂ એટલે કે ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર બુધવારે બપોરના આગ લાગી હતી. મેટ્રો પ્રશાસને તાત્કાલિક મેટ્રો સ્ટેશનમાં રહેલા પ્રવાસીઓને સ્ટેશનની બહાર કાઢ્યા હતા. સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું.
મેટ્રો પ્રશાસનના જણાવ્યા મુજબ આરે જેવીએલઆર અને કફપરેડ વચ્ચે દોડતી મેટ્રો-થ્રી ઍકવા લાઈનના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ ટી-ટૂ સ્ટેશનના ટેક્નિકલ રૂમમાં સાંજના લગભગ ૪.૧૦ વાગે આગ લાગી હતી.
આગ લાગવાની સાથે જ ઈમરજન્સી ટીમ તરત દોડી ગઈ હતી અને સ્ટેશનની અંદર રહેલા તમામ પ્રવાસીઓને બહાર કાઢયા હતા. આ દરમ્યાન ફાયરબ્રિગેડના ત્રણ ફાયર એન્જિન અને બે જંબો ટેન્કર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ૪.૩૦ વાગ્યા સુધીમાં આગ પર નિયંત્રણ મેળવ્યું હતું.
આગ લાગવાને કારણે અંડરગ્રાઉન્ડ સ્ટેશનના પરિસરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. તેથી ફાયરબ્રિગેડના જવાનો બ્રિધીંગ ઍપરેટ્સ (શ્ર્વાસ લેવાનું સાધન) સાથે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગમાં કોઈ જખમી થયું નહોતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.
મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડે જોકે આગને મામૂલી ઘટના જણાવી હતી. તકેદારીના પગલારૂપે ટી-ટૂ સ્ટેશન પર આ સમયગાળા દરમ્યાન ટ્રેનને હોલ્ટ આપવામાં આવ્યો નહોતો. તેમ જ આગને કારણે સહાર રોડ અને આરે સ્ટેશન વચ્ચે થોડા સમય માટે મેટ્રો સેવા પણ બંધ રાખવામાં આવી હતી. આ અગાઉ નવેમ્બર ૨૦૨૪માં બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) મેટ્રો અંડરગ્રાઉન્ડ સ્ટેશનમાં આગ લાગી હતી.