Sat Apr 25 2026

Logo

મેટ્રો ટૂ-એ રૂટ પર બહુ જલદી ચેેમ્બુર સ્ટેશન શરૂ થશે

2026-04-25 21:26:38
Author: સપના દેસાઈ
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: અંધેરી પશ્ર્ચિમથી મંડાલે-માનખુર્દ મેટ્રો ટૂ-બી રૂટ પર ડાયમંડ ગાર્ડન- મંડાલે  વચ્ચે તાજેતરમાં મેટ્રો રેલ સેવા શરૂ થઈ છે. આ સ્ટેશન વચ્ચે જોકે પ્રવાસીઓનો બહુ મોળો પ્રતિસાદ મળ્યો છે. તેથી આ રૂટ પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા હવે ડાયમંડ ગાર્ડનથી સારસ્વત નગર આ બીજા તબક્કાના  એકમાત્ર સ્ટેશન ચેમ્બુર મેટ્રો સ્ટેશન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 

એમએમઆરડીએ દ્વારા ચેમ્બુર સ્ટેશનનું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે અને તેણે  મેટ્રો કમિશનર, મેટ્રો રેલવે સેફટી તરફથી પરીક્ષણ કરીને સર્ટિફિકેટ આપવા માટે અરજી કરી છે. બહુ જલદી પરીક્ષણ શરૂ થયા બાદ સેફટી સર્ટિફિકેટ મળશે અને તરત મેટ્રો સ્ટેશન સેવામાં દાખલ થશે એવો દાવો એમએમઆરડીએ દ્વારા કરવામાં આવ્યો છે.એમએમઆરડીએ ૨૩.૬૪ કિલોમીટર લાંબી મેટ્રો ટૂ-બી રૂટનું કામ ત્રણ તબક્કામાં હાથમાં લીધું છે. મંડાલે-ડાયમંડ ગાર્ડન દરમ્યાન પહેલા તબક્કામાં આઠ એપ્રિલથી મેટ્રો રેલ શરૂ કરવામાં આવી હતી. તો ડાયમંડ ગાર્ડન-સારસ્વત નગર આ બીજા તબક્કામાં આવે છે અને તેનું કામ પૂરું થઈને મેટ્રો રેલ શરૂ થવામાં ૨૦૨૭ની સાલ થઈ જવાની છે. સારસ્વત નગર-અંધેરી પશ્ર્ચિમ આ ત્રીજા તબક્કામાં શરૂ થવાની છે.

આ દરમ્યાન ડાયમંડ ગાર્ડન-સારસ્વત નગર વચ્ચે ૨૦૨૭માં મેટ્રો શરૂ થવાની છે પણ આ તબક્કામાં ચેમ્બુર મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે, તેને મે-જૂન સુધીમાં શરૂ કરી દેવાની યોજના છે. ચેમ્બુર મેટ્રો સ્ટેશનનું કામ ૧૦૦ ટકા પૂર્ણ થઈ ગયું હોવાથી સ્ટેશન માટે સેફટી સર્ટિફિકેટ મળી જાય તો તેને સેવામાં દાખલ કરી દેવાની યોજના છે. જો મંજૂરી મળી જાય તો ચેમ્બુરથી મંડાલે સુધીનો પ્રવાસ હાર્બર લાઈનના રહેવાસીઓ કરી શકશે.હાલ ડાયમંડ ગાર્ડન-મંડાલે વચ્ચે મેટ્રો દોડે છે પણ તેનો પ્રવાસીઓએ બહુ પ્રતિસાદ આપ્યો નથી. અહીં દિવસના માત્ર ૩૦૦ જેટલા પ્રવાસીઓ પ્રવાસ કરે છે. તેથી પ્રવાસીઓની સંખ્યા વધે તે માટે એમએમઆરડીએ ચેમ્બુર સુધી મેટ્રો સેવા શરૂ કરવામાં માગે છે.