Mon Apr 27 2026

Logo

મરીન ડ્રાઇવમાં યુવતી સાથે બાઇક પર જતી વખતે યુવકે માર્ગ ઓળંગી રહેલા વૃદ્ધને અડફેટમાં લીધો

2026-04-27 21:31:32
Author: યોગેશ ડી. પટેલ
Article Image

વહેલી સવારે થયેલા અકસ્માતમાં ત્રણેયના ગંભીર ઇજાને કારણે મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઇવ વિસ્તારમાં 19 વર્ષની યુવતી સાથે બાઇક પર પૂરપાટ વેગે જઇ રહેલા યુવકે માર્ગ ઓળંગી રહેલા 66 વર્ષના વૃદ્ધને અડફેટે લીધો હતો. સોમવારે વહેલી સવારે થયેલા આ અકસ્માતમાં વૃદ્ધ સહિત ત્રણેયનાં ગંભીર ઇજાને કારણે મૃત્યુ થયાં હતાં. મરીન ડ્રાઇવ પોલીસે આ પ્રકરણે મૃત બાઇકસવાર સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવા અને મૃત્યુ માટે કારણભૂત થવા બદલ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મરીન ડ્રાઇવ ખાતે એન.એસ. રોડ પર પારસી જિમખાના જંકશન સિગ્નલ પર સોમવારે વહેલી સવારે 5.40 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા ત્રણેયની ઓળખ ગિરગામના ક્રાંતિનગરમાં આવેલી સોસાયટીમાં રહેનારા કિશોર પાંડુરંગ લામણે (66), મુલુંડ પૂર્વમાં મ્હાડા કોલોની ખાતે રહેતા કૃષ્ણ ઉદય દેસાઇ (19) અને કફ પરેડમાં રહેતી તેની મિત્ર ચાંદની શેખ (18) તરીકે થઇ હતી.

કૃષ્ણ દેસાઇ સોમવારે વહેલી સવારે તેની મિત્ર ચાંદની શેખને મળવા માટે બાઇક પર આવ્યો હતો. બંને જણ બાદમાં બાઇક પર મરીન ડ્રાઇવ ખાતેથી જઇ રહ્યા હતા. કૃષ્ણ દેસાઇ બાઇક પૂરપાટ વેગે હંકારી રહ્યો હતો અને તેઓ પારસી જિમખાના જંકશન સિગ્નલ પર પહોંચ્યા ત્યારે માર્ગ ઓળંગી રહેલા કિશોર લામણેને તેણે અડફેટમાં લીધો હતો. કિશોર લામણે મોર્નિંગ વૉક માટે આવ્યો હતો અને બાઇકની ટક્કર એટલી જોરદાર હતી કે તે ફંગોળાઈને રસ્તા પર પટકાયો હતો. બીજી તરફ કૃષ્ણ અને ચાંદનીને પણ ગંભીર ઇજા પહોંચી હતી.

અકસ્માતને કારણે લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલ થયેલા ત્રણેય જણને સારવાર માટે તાત્કાલિક જી.ટી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. દરમિયાન અકસ્માતની જાણ થતાં મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને તપાસ આદરી હતી. ત્રણેય જણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ મરીન ડ્રાઇવ પોલીસે તપાસ આદરી હતી.

કૃષ્ણ દેસાઇએ રવિવારે રાતે મિત્રો સાથે બર્થડે ઉજવ્યો હતો
મરીન ડ્રાઇવ ખાતે વહેલી સવારે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલો મુલુંડનો કૃષ્ણ દેસાઇ ડિલિવરી બૉય તરીકે કામ કરતો હતો. કૃષ્ણ દેસાઇએ હાલમાં જ નવી બાઇક ખરીદી હતી. રવિવારે તેનો જન્મદિવસ હતો અને તેણે મુલુંડમાં તેના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. મિત્રો સાથે તેણે રાતે ભોજન કર્યું હતું અને તેમને કહ્યું હતું કે તે પરિવારજનો સાથે જન્મદિવસની ઉજવણી કરવા ઘરે જઇ રહ્યો છે. 

જોકે તેણે બાદમાં પોતાનો મોબાઇલ બંધ કરી દીધો હતો અને ઘરે જવાને બદલે કૃષ્ણ તેની મિત્ર ચાંદની શેખને મળવા માટે બાઇક પર દક્ષિણ મુંબઈ આવ્યો હતો. ચાંદનીને મળ્યા બાદ બંને જણ બાઇક નીકળ્યાં હતાં અને તેઓ મરીન ડ્રાઇવ પરથી જઇ રહ્યાં હતાં ત્યારે તેમણે અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. કૃષ્ણનું મૃત્યુ થતાં તેના પરિવારજનો તથા મિત્રોમાં શોક ફેલાયો હતો.