Mon Apr 27 2026

Logo

મહારાષ્ટ્રમાં રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષાની અનિવાર્યતા અંગે સરકારના પીછેહઠના સંકેત

2026-04-27 21:40:59
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્રમાં અમરાઠી રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરો અને મુસાફરો વચ્ચે વાતચીત સરળ, સ્પષ્ટ અને વધુ અસરકારક રીતે થાય તે માટે 1 મેથી 'વ્યવહારિક મરાઠી' ફરજિયાત બનવાની હતી. જોકે, વિવિધ રિક્ષા અને ટેક્સી ડ્રાઈવર સંગઠનોએ સરકારના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો અને સમયમર્યાદા લંબાવવાની વિનંતી કરી હતી. આ અંગે સરકાર કદાચ કુણૂં વલણ અપનાવી શકે છે.

આ પૃષ્ઠભૂમિમાં, પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકની વિવિધ રિક્ષા ટેક્સી ડ્રાઈવરોના સંગઠનોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં, સરકારે મરાઠી ભાષાની ફરજિયાતતાથી પીછેહઠ કરવાના સંકેત આપ્યા હતા.

રિક્ષા ચાલકોને મરાઠી આવડવી જોઈએ તે માટે દરેક વ્યક્તિ આગ્રહી છે. રિક્ષા ચાલકોએ પ્રવાસીએ ક્યાં જવું છે અને કેટલું ભાડું થશે જેવા પ્રશ્નોના જવાબ મરાઠીમાં આપવા જોઈએ. જો તમે મહારાષ્ટ્રમાં રિક્ષા ટેક્સી ચલાવવા માંગતા હો, તો મરાઠી જાણવી ફરજિયાત છે. 

અમે હજુ પણ આ વલણ પર અડગ છીએ. પરંતુ વિવિધ સંગઠનોએ અમારી પાસે ચાર થી છ મહિનાનો સમય માંગ્યો હતો.સાથે તેમણે મરાઠી શીખવાની તૈયારી પણ દર્શાવી છે. પોતાની ભૂમિકા સમજાવતા, રિક્ષા ટેક્સી ડ્રાઇવરોએ વિનંતી કરી કે તેમની આજીવિકાનો પ્રશ્ન છે. સરનાઈકે સ્પષ્ટતા કરી કે કોઈની રોજગારી ન જાય એ જ સરકારની ભૂમિકા છે.

હું આરટીઓ અધિકારીઓ સાથે પણ વાત કરીશ અને માહિતી મેળવીશ. બેઠકમાં રિક્ષા ટેક્સી ડ્રાઇવરોને કેટલો સમય આપવામાં આવશે તે અંગે કોઈ વાત થઈ નથી . સરનાઈકે એ પણ સ્પષ્ટતા કરી કે તેઓ 59 આરટીઓ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી અંતિમ નિર્ણય લેશે.