મુંબઈ: કોર્ટના કડક આદેશો છતાં મુંબઈમાં ગેરકાયદે બેનર અને પોસ્ટરોની સમસ્યા ગંભીર બની છે. બોમ્બે હાઈ કોર્ટના વારંવારના આદેશો છતાં મુંબઈમાં ગેરકાયદે બેનર અને પોસ્ટરોની સમસ્યા યથાવત્ છે. ખાસ કરીને બોરીવલીથી મુલુંડ સુધીના વિસ્તારોમાં રાજકીય નેતાઓ અને બિલ્ડરોના બેનર-પોસ્ટરો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યાં છે. જાહેર સ્થળોએ ગેરકાયદે લગાવવામાં આવતા બેનર અને પોસ્ટરો દૂર કરવા તેમ જ આવી પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા માટે કોર્ટ દ્વારા નિર્દેશો આપવામાં આવ્યા હોવા છતાં તેનો અમલ માત્ર કાગળ પૂરતો જ સીમિત હોવાનો ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. અને તેને કારણે મુંબઈના રસ્તાઓ પર આવા બેનર્સનો રાફડો ફાટ્યો છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર સ્થળો પર લગાવવામાં આવેલા બેનર અને પોસ્ટરોને કારણે મુંબઈની સુંદરતા પર સીધી અસર પડી રહી છે. રસ્તાઓ અને આસપાસના જાહેર વિસ્તારોમાં દેખાતી આવી જાહેરાતો દૃશ્ય પ્રદૂષણમાં વધારો કરે છે. હાઈ કોર્ટના નિર્દેશો છતાં ગેરકાયદે બેનર લગાવવાનું ચાલુ રહેતાં સંબંધિત વહીવટી તંત્રની કામગીરી અને આદેશોના અમલ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
ગેરકાયદે હોર્ડિંગ્સનો મુદ્દો બોમ્બે હાઈ કોર્ટમાં અગાઉ પણ ઉઠ્યો છે. ડિસેમ્બર 2024માં કોર્ટે રાજકીય પક્ષો અને સંસ્થાઓ દ્વારા જાહેર સ્થળોએ બેનર લગાવવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા અને અન્ય સ્થાનિક સંસ્થાઓની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. અગાઉના નિર્દેશોમાં જાહેર રસ્તાઓ, બગીચાઓ અને અન્ય સ્થળોએથી ગેરકાયદે હોર્ડિંગ્સ દૂર કરવા વિશેષ ઝુંબેશ ચલાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ દરમિયાન, મુંબઈ મહાનગરપાલિકાએ 8થી 13 ઑક્ટોબર 2026 દરમિયાન ગેરકાયદે બેનર, બોર્ડ, પોસ્ટર, દીવાલો પરની જાહેરાતો અને ઝંડા સામેની ઝુંબેશમાં કુલ 2,291 વસ્તુઓ દૂર કરી હતી. તેમાં 1,442 બેનર, 673 બોર્ડ, 133 પોસ્ટર, દીવાલો પરની જાહેરાતોના આઠ કેસ અને 35 ઝંડાનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકા અનુસાર, આ કાર્યવાહી દરમિયાન ચાર એફઆઈઆર નોંધવામાં આવી હતી અને પોલીસને વધુ કાર્યવાહી માટે 13 પત્રો મોકલવામાં આવ્યા હતા.
હાઈ કોર્ટના આદેશો અને મહાનગરપાલિકાની કાર્યવાહી છતાં શહેરમાં ગેરકાયદે બેનર-પોસ્ટરોનો મુદ્દો ફરી સામે આવ્યો છે. હવે જાહેર સ્થળોએ પરવાનગી વિના બેનર લગાવવાની પ્રવૃત્તિ પર અસરકારક રોક લગાવવા અને કોર્ટના નિર્દેશોનો અમલ સુનિશ્ચિત કરવા માટે સંબંધિત વિભાગ અને અધિકારીઓ શું પગલાં લે છે તે જોવું રસપ્રદ રહેશે.