(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરા હાલ આકરી ગરમી અને ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે અને આગામી દિવસમાં તાપમાનનો હજી વધારો થવાની શકયતા છે ત્યારે ઉનાળામાં દિવસમાં વધતા તાપમાનને કારણે ઘરમાં, ઓફિસમાં તેમ જ કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટમાં વિદ્યુત યંત્રણામાં દબાણ આવીને શોર્ટ સર્કિટ, ઓવરલોડિંગને કારણે આગ લાગવાનું પ્રમાણ વધી રહ્યું છે. તેથી મુંબઈગરાને નિયમોનું પાલન કરીને તકેદારીના પગલાં લેવાની સલાહ મુંબઈ ફાયરબિગ્રેડે આપી છે.
મુુંબઈમાં બુધવારે સાંતાક્રુઝમાં મહત્તમ ૩૪.૧ ડિગ્રી અને લઘુતમ ૨૫.૩ ડિગ્રી તાપમાન તથા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૬ ટકા નોંધાયું હતું. કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૮ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૬ ડિગ્રી તેમ જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે ગરમી અને ઉકળાટનો અનુભવ નાગરિકો કરી રહ્યા છે. ગરમી વધવાને કારણે ઘરમાં, ઓફિસમાં તથા દુકાનોમાં પંખા, એરકંડિશન, કુલર, ફ્રિજ સહિત ઈલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. તેથી આગ લાગવાની ઘટનામાં વધારો થયો છે.
એ સિવાય ઉષ્ણ અને સૂકા વાતાવરણ અને જ્વલનશીલ પર્દાથની અયોગ્ય રીતે સ્ટોક કરવાથી, કચરો બાળવાથી તેમ જ ગૅસના ગળતર જેવા કારણોથી પણ આગનું જોખમ વધી જાય છે. એ બાબતને ધ્યાનમાં રાખીને મુંબઈ ફાયરબ્રિગેડે નાગરિકોને સતર્ક રહીને આવશ્યક તકેદારી લેવાની અપીલ કરી છે.
નાગરિકોને ઘરની અને બિલ્િંડગની ઈલેક્ટ્રિક વાયરિંગ, સ્વિચ બોર્ડ અને પ્લગ પોઈન્ટની નિયમિત તપાસ કરવાની અને તેની જોડાણ બાબતે ખાસ ધ્યાન રાખવાની તેમ જ એક પ્લગ પોઈન્ટમાં અનેક ઉપકરણ જોડીને ઓવરલોડિંગનો પ્રકાર ટાળવાની સલાહ પણ ફાયરબ્રિગેડે આપી છે.
એર કંડિશનર, કુલર જેવા સાધનો વાપરતા સમયે સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાના જોડાણનો ઉપયોગ કરવો જોઈએ તેમ જ એલપીજી ગૅસ સિલિન્ડર અને ગૅસ પાઈપની સંબંધિત નિષ્ણાતો તરફથી નિયમિત તપાસ કરાવવી. દરેક બિલ્િંડગમાં, ઘરમાં તથા કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં ફાયરસેફટી સિસ્ટમ વ્યવસ્થિત કામ કરે છે કે તેની તકેદારી રાખવાની સલાહ પણ ફાયરબ્રિગેડે આપી છે.
બિલ્િંડગ, બિઝનેસ કૉમ્પ્લેક્સ તેમ જ ઈમરજન્સીમાં બહાર નીકળવાના રસ્તા ખુલ્લા રાખવા, જેથી કરીને કોઈ ધટના ઘટે તો નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. તેમજ ગમે ત્યાં વાહનો પાર્ક કરવા નહીં, જેથી કરીને કોઈ સ્થળે આગ લાગી હોય તો ઘટના સ્થળે ફાયરબ્રિગેડના વાહનો વગર કોઈ અવરોધે ઝડપી રીતે પહોંચી શકે. .
આગ લાગે ત્યારે અહીં ફોન કરો
કોઈ પણ પ્રકારની આગની ઘટના ઘટે તો મુંબઈ ફાયરબ્રિગેડને ૧૦૧ અથવા ૦૨૨-૨૩૦૦૧૩૯૦, ૦૨૨-૨૩૦૦૧૩૯૩ નંબર પર સંપર્ક સાધવાની અપીલ ફાયરબ્રિગેડે મુંબઈગરાને કરી છે.