Sun Jun 21 2026

Logo

મુંબઈ કસ્ટમ્સે ઇંધણની દાણચોરીના રેકેટનો કર્યો પર્દાફાશ: રશિયન જહાજ, ભારતીય બંકર બાર્જને આંતર્યાં

2026-06-15 20:26:00
Author: Yogesh D Patel
Article Image

મુંબઈ: આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદવામાં આવેલા વિદેશી જહાજને અત્યંત હલકી ગુણવત્તાના સલ્ફર ફ્યુઅલ ઓઇલનો પુરવઠો કરવાનું રેકેટ કસ્ટમ્સની પ્રિવેન્ટિવ વિંગે મુંબઈના દરિયાકાંઠે પકડી પાડ્યું હતું. નિકાસના નકલી દસ્તાવેજો દ્વારા આ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું, એવું તપાસમાં સામે આવ્યું હતું.

કસ્ટમ્સના અધિકારીના જણાવ્યા અનુસાર રશિયન ધ્વજવાળા જહાજ એમટી અંગારાને અનધિકૃત રીતે 200 ટન અત્યંત હલકી ગુણવત્તાનું સલ્ફર ફ્યુઅલ ઓઇલ (વીએએસએફઓ)નો પુરવઠો નિકાસના નકલી દસ્તાવેજો થકી કરવામાં આવ્યો હતો.
 
આ વિદેશી જહાજ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન અને યુનાઇટેડ કિંગડમ દ્વારા લાદવામાં આવેલા સક્રિય પ્રતિબંધોને આધીન છે. એમટી અંગારા અને ભારતીય બંકર બાર્જ એમટી બૅ-3 વિદેશી જહાજને ફ્યુઅલ ટ્રાન્સફર કરતા હતા ત્યારે રૂટિન પેટ્રોલિંગ દરમિયાન તેમને આંતરવામાં આવ્યાં હતાં.
 
એ સમયે જણાયું હતું કે નકલી ઇન્ડિયન ઓઇલ નિકાસનાં ઇન્વોઇસીસનો ઉપયોગ કરી અને કસ્ટમ્સની ફરજિયાત પ્રક્રિયાઓને આંતરીને ઇંધણનો પુરવઠો કરવામાં આવતો હતો. એક્સપોર્ટ શિપિંગ બિલો નોંધવાનું પણ ટાળવામાં આવતું હતું.
 
મધદરિયે ટ્રાન્સફરમાં સંકળાયેલી બાર્જ નવી મુંબઇમાંની શિપિંગ કંપનીની વ્યક્તિગત માલિકીની છે અને આ ઇંધણની દાણચોરીના નેટવર્કમાં તેની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે. 
એમટી અંગારામાંથી સીધા જ બંકર ડિલિવરી નોટ્સ અને ફ્યુઅલ ટેસ્ટ રિપોટર્સ મેળવવામાં આવ્યા છે, જે જહાજ અને અનધિકૃત રીતે ફ્યુઅલ ટ્રાન્સફર વચ્ચે કડી હોવાનું દર્શાવે છે.

પ્રાથમિક તપાસ સૂચવે છે કે બોગસ દસ્તાવેજો અને ખોટા શિપિંગ બિલોની વ્યવસ્થા નવી મુંબઈ સ્થિત અન્ય લોજિસ્ટિક કંપની દ્વારા કરવામાં આવતી હતી. કંપનીના માલિકોની તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)