Thu Jul 23 2026

Logo

હોટેલનું AC બંધ રહેતા ગ્રાહકને વળતર આપવાનો ગ્રાહક પંચનો આદેશઃ માનસિક ત્રાસ બદલ હોટેલને ફટકાર્યો દંડ

2026-04-27 17:54:08
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: જન્મદિવસની પાર્ટી દરમિયાન હોટેલના બંધ થઈ ગયેલા એસી માટે ગ્રાહકને વળતર આપવાનો આદેશ મુંબઈ સ્થિત ગ્રાહક આયોગે એક રેસ્ટોરાંને આપ્યો છે. એર કંડિશનિંગ કામ ન કરતું હોવાના કારણે મહેમાનોને ગૂંગળામણ થઈ હતી. રેસ્ટોરાંનું બુકિંગ કરતી વખતે એસી કાર્યરત હોવું જરૂરી છે.

આ મહિનાની શરૂઆતમાં વધારાના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (ઉપનગરીય) એ રેસ્ટોરાંને તેના બેન્ક્વેટ હોલમાં એસીમાં ખામી હોવા બદલ રૂ. 22,557 ચૂકવવાનો તેમ જ ઓગસ્ટ 2024થી વાર્ષિક છ ટકા વ્યાજ પણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત ફરિયાદીને માનસિક યાતના માટે 10,000 રૂપિયા અને કાનૂની ખર્ચ માટે 5,000 રૂપિયા ચૂકવવા પણ રેસ્ટોરાંને જણાવ્યું છે.

ઘાટકોપરના રહેવાસી ફરિયાદીએ જુલાઈ 2024માં એક સંબંધીના જન્મદિવસની પાર્ટી માટે લોઅર પરેલમાં રેસ્ટોરાંનો બેન્ક્વેટ હોલ બુક કરાવ્યો હતો, જેમાં ભોજન અને સર્વિસ માટે રૂ. 3.63 લાખ ચૂકવ્યા હતા.

મેનેજમેન્ટે પંખા લગાવીને કામચલાઉ વ્યવસ્થા કરી હોવા છતાં, તે અપૂરતી હતી. ફરિયાદીએ દાવો કર્યો હતો કે ઘણા મહેમાનો ભોજન લીધા વિના જ કાર્યક્રમ છોડી ગયા હતા. 

મહિલાએ એવો પણ આરોપ કર્યો હતો કે સ્ટાફના સભ્યોએ સ્વીકાર્યું હતું કે તેમના કાર્યક્રમ પહેલા ઘણા દિવસોથી એસી યુનિટ ખરાબ હતું અને તેનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવ્યું ન હતું. રેસ્ટોરાંને આદેશની નકલ મળ્યાના 45 દિવસની અંદર તેનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 
(પીટીઆઈ)