ડિવાઈડર સાથે ભટકાયા પછી પૉર્શે આગળ જતી કાર સાથે ટકરાઈ: બાળકને ઇજા
મુંબઈ: કોસ્ટલ રોડની ટનલમાં કાર ભડકે બળ્યા પછી અન્ય વાહનધારકોમાં મચેલી અફરાતફરી હજુ વીસરાઈ નથી ત્યાં રવિવારની સવારે સ્પીડમાં આવેલી પૉર્શે કાર બેકાબૂ બની હતી. કોસ્ટલ રોડના ડિવાઈડર સાથે ભટકાયા પછી આગળ જતી કાર સાથે ટકરાયેલી પૉર્શેની સમયસર ખૂલેલી ઍરબેગ્સે ડ્રાઈવર સહિત બેને બચાવી લીધા હતા. જોકે આગળની કારમાં બેસેલા બાળકને અકસ્માતમાં ઇજા થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
કોસ્ટલ રોડ પર રવિવારની સવારે 8.30 વાગ્યે બનેલી અકસ્માતની ઘટના પ્રકરણે ગામદેવી પોલીસે પૉર્શે કારના ડ્રાઈવર વિજય પાંડે વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવાનો ગુનો નોંધ્યો હતો. તાબામાં લેવાયેલા ડ્રાઈવરની પોલીસે પૂછપરછ કરી હતી. તપાસને આધારે તેની વિરુદ્ધ કાનૂની પગલાં લેવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર પુરપાટ વેગે દોડતી પૉર્શે કાર પરથી ડ્રાઈવર પાંડેએ કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી કાર પહેલાં ડિવાઈડર સાથે ભટકાઈ હતી અને પછી આગળ જતી કાર સાથે ટકરાઈ હતી. એ કારમાં બેસેલા આઠ વર્ષના બાળકને મામૂલી ઇજા થઈ હોવાનું પોલીસનું કહેવું છે.
દરમિયાન ડિવાઈડર સાથે ટકરાતાં જ પૉર્શે કારની ઍરબેગ્સ ખૂલી ગઈ હતી, જેને કારણે પાંડે અને કો-પેસેન્જર મોટી ઇજામાંથી બચી ગયા હતા. જોકે ડિવાઈડર સાથે જોરદાર ટક્કરને કારણે પૉર્શે કારના આગળના ભાગને ખાસ્સું નુકસાન થયું હતું.
અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કારને રસ્તાને કિનારે ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ સૂચવે છે કે ઓવરસ્પીડને કારણે આ અકસ્માત થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
જોકે ખરેખર કારને કઈ રીતે અકસ્માત થયો હતો તેની વિગતો મેળવવા પોલીસ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે. અકસ્માત સમયે કારની ગતિ કેટલી હતી તેનો પણ તાગ મેળવવામાં આવી રહ્યો છે.