(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનો મહત્વાકાંક્ષી ડિસેલિનેશન પ્લાન્ટ, પિંજણ પ્રોજેક્ટ અને દમણગંગા-પિંજણ પ્રોજેક્ટથી મુંબઈને ભવિષ્યમાં વધારાનું પાણી ઉપલબ્ધ થવાનું છે પણ તેમના સંચાલન અને પુનર્વસનનો વધતો ખર્ચ ચિંતાનો વિષય બની ગયો છે. પાલિકા પ્રશાસન હાલ ગારગાઈ બંધ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે પણ સ્થાયી સમિતિ ગારગાઈ ડેમના બાંધકામના વધી ગયેલા ખર્ચ સામે કૉન્ટ્રેક્ટર સામે વાટાઘાટ બાદ તેમાં ઘટાડો ઈચ્છે છે. બુધવારે મળનારી સ્થાયી સમિતિમાં આ બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવશે એવું માનવામાં આવે છે.
પાલઘરના વાડા તાલુકામાં પાલિકા ૫,૩૯૬ કરોડ રૂપિયાના ખર્ચે ગારગાઈ ડેમ બાંધીને શહરેના પાણીપુરવઠામાં ૪૪૦ મિલ્યન લિટર પ્રતિ દિવસ (એમએલડી)નો ઉમેરો કરવાની ધારણા રાખે છે. જોકે ગયા અઠવાડિયે સ્થાયી સમિતિની બેઠકમાં નગરસેવકોએ ખર્ચમાં થયેલા વધારા સામે ચિંતા વ્યક્ત કર્યા બાદ આ પ્રસ્તાવને પાછો મોકલી દીધો હતો અને તેના ખર્ચ મૂળ અંદાજ કરતા ૧૧ ટકા વધુ હોવાનું કારણ આગળ કર્યુું હતું.
સોમવારે પાલિકાના મુખ્યાલયમાં અધિકારીઓએ સ્થાયી સમિતિના હોલમાં એક પ્રોજેક્ટ રજૂ કર્યો હતો, જેમાં સ્થાયી સમિતિ અધ્યક્ષે ડિસેલિનેશન પ્લાન્ટના સંચાલન અને જાળવણીનો ખર્ચ, પિંજણ અને દમણગંગા-પિંજણ લિંક પ્રોજેકટની સ્થિતિ બાબતે અધિકારીઓેને સવાલ કર્યા હતા.
એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે સમિતિને સમજાવ્યું હતું કે ડિસેલિનેશન પ્લાન્ટનો ઓપરેશન અને મેઈનટેન્સનો ખર્ચ ઊંચો હોવા છતાં તેમને ગ્રીન એનર્જી પર ચલાવવાથી ખર્ચમાં ઘટાડો થશે. અન્ય બે પ્રોજેક્ટ માટે પુનવર્સન ખર્ચ નોંધપાત્ર વધુ રહેશે. જયારે ગારગાઈ ડેમ તુલનાત્મક રીતે વધુ ખર્ચ પણ અસરકારક અને અમલમાં મૂકવામાં સરળ છે. આ પરિબળોને ધ્યાનમાં લેતા પાલિકા પ્રશાસને શહેરના પાણીના માળખાને મજબૂત બનાવવા માટે મુખ્ય પગલા તરીકે ગારગાઈને પ્રાથમિકતા આપી છે. જોકે તમામ રાજકીય પક્ષોના નગરસેવકોએ આગ્રહ કર્યો હતો કે મૂળ અંદાજના સમકક્ષ જ કૉન્ટ્રેક્ટ આપવામાં આવે.
શિવસેના (યુબીટી)ના નગરસેવક યશોધર ફણસેએ કહ્યું હતું કે અગાઉ અમે દમણગંગા પ્રોજેક્ટને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરવાની વિનંતી કરી હતી પણ તેનું સ્ટેટસ શું છે તેની ખબર નથી. ગારગાઈ પ્રોજેક્ટ મોંઘો છે અને તેની માટે ત્રણ લાખ વૃક્ષો કાપવામાં આવવાના છે. કૉંગ્રેસના ગ્રૂપ લીડર અશરફ આઝમીએ પણ કૉન્ટ્રેક્ટરને આપવામાં આવેલા કુલ કૉન્ટ્રેક્ટના ખર્ચપર બે ટકા ઈન્સેન્ટીવ આપવા સામે સવાલ કરીને તેને બિનજરૂરી ગણાવ્યો હતો.