Wed May 06 2026

Logo

બેસ્ટના રિટાયર્ડ કર્મચારીઓને મફત પ્રવાસની સુવિધા મળશે નહીં

2026-05-05 20:57:52
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના રિટાયર્ડ કર્મચારીઓને મફતમાં બસપ્રવાસની સુવિધા આપવી શક્ય ન હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. નગરસેવકે આઠ વર્ષ પહેલા કરેલી માગણી પણ  બેસ્ટની આર્થિક સ્થિતી ખખડી ગઈ  હોવાથી આ સુવિધા આપી શકાય નહીં એવો જવાબ બેસ્ટ ઉપક્રમે મંગળવારે યોજાયેલી બેસ્ટ સમિતિની મિટીંગમાં આપ્યો હતો.

શિવસેના (ઉદ્ધવ)ના ભૂતપૂર્વ નગરસેવક અનંત નરે ૨૦૧૮માં બેસ્ટ ઉપક્રમના  કર્મચારીઓને રિટાયર્ડ થયા બાદ પણ બેસ્ટની બસમાં પ્રવાસ કરવા માટેનો પાસ આપવાની માગણી કરી હતી. આ માગણી પણ છેક આઠ વર્ષે બેસ્ટ ઉપક્રમે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. બેસ્ટ ઉપક્રમ ખોટમાં હોવાથી આવી સગવડ આપવી શક્ય ન હોવાનું ઉપક્રમે કહ્યું હતું. 

બેસ્ટ ઉપક્રમ મારફત નગરસેવક, શારિરીક રીતે અક્ષમ, પોલીસ, સ્વાતંત્ર્યસૈનિક, મહાનગરપાલિકાની સ્કૂલના વિદ્યાર્થીઓને મફત બસ પ્રવાસની સગવડ આપવામાં આવી છે. પત્રકાર, જયેષ્ઠ નાગરિક, ખાનગી સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને પણ પાસમાં રાહત આપવામાં આવે છે.  તો બેસ્ટના કર્મચારી રિટાયર્ડ થાય એ બાદ તેમને પણ પાસ આપવો જોઈએ એવી માગણી કરવામાં આવી હતી પણ બેસ્ટ ખોટમાં હોવાથી તે શક્ય ન હોવાનો જવાબ છેક આઠ વર્ષે બેસ્ટ ઉપક્રમે આપ્યો હતો. એ સાથે જ આ માગણી પર પૂર્ણવિરામ લાગી ગયો હતો.