Thu Jun 18 2026

Logo

બાન્દ્રાની ભીષણ આગમાં વૃદ્ધ વ્યક્તિનું મોત, બે ફાયરબ્રિગેડના જવાનો હૉસ્પિટલમાં

2026-06-18 21:01:58
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રામાં આવેલી શેર્લી રાજન રોડ પરની અટલાંટિક બિલ્ડિંગમાં બુધવારે રાતના નવ વાગ્યાની આસપાસ લાગેલી ભીષણ આગમાં ૬૫ વર્ષના સિનિયિર સિટિઝન અઝીઝ બરોડાવાલાનું મૃત્યુ થયું છે. તો આગ બુઝાવવાની કામગીરી દરમ્યાન ફાયરબ્રિગ્રેડના બે જવાનની તબિયત ખરાબ થતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સાત માળની અટલાટિંગ બિલ્ડિંગના ઉપરના માળા પર આગ લાગી હતી. શરૂઆતમાં આગ લાગી હોવાની હેવાસીઓને જાણ જ નહોતી. જોકે થોડા સમયમાં જ આગ ઝડપભેર ફેલાઈ જતા રહેવાસીઓને બિલ્િંડગની બહાર નીકળી આવવું પડ્યું હતું. આગની જાણ થતા  જ ફાયરબ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ફાયરબ્રિગ્રેડના જણાવ્યા મુજબ ફ્લેટ નંબર ૭૦૧ અને ૭૦૨માં આગ ફેલાઈ હતી. બિલ્િંડગના સાતમા માળા પર અમુક રહેવાસીઓ ફસાઈ ગયા હોવાની જાણ થતા જ ફાયરબ્રિગેડના જવાનો ઉપરના માળા પર રેસ્ક્યુ ઓપરેશન માટે પહોંચી ગયા હતા. આગને કારણે મોટા પ્રમાણમાં ધુમાડા નીકળતા ફાયરબ્રિગ્રેડને રેસ્ક્યુ ઓપરેશનમાં અડચણો આવી હતી. બુધવારે રાતાના ૧૦ વાગ્યાની આસપાસ આગને એક નંબરની એટલે કે ભીષણ આગ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.  આ દરમ્યાન રેસ્ક્યુ ઓપરેશનમાં રહેલો ૩૨ વર્ષનો ફાયર મેન જવાન શિવશંકર પુરીને ચક્કર આવી જતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ દરમ્યાન સાતમા માળે ફસાઈ ગયેલા અમુક રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં ૬૫ વર્ષના અઝીમ બરોડાવાલા ગંભીર રીતે જખમી થયા હતા. ૩૪ વર્ષનો ફાયરમેન નવનાથ બિતેની પણ તબિયત લથડતા તેને  ભાભા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તો સારવાર દરમ્યાન સિનિયર સિટિઝન અઝીમ બરોડાવાલાનું મૃત્યુ થયું હોવાનું ડૉકટરે જાહેર કર્યું હતું. 
ગુરુવારે વહેલી સવારના આગ પર નિયંત્રણ મેળવામાં સફળતા મળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આગમાં ફ્લેટ નંબર ૭૦૧ અને ૭૦૨માં રહેલી ઈલેક્ટ્રિક સિસ્ટમ, વીજળીના તાર સહિત ઘરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.