ચાર માળની ઈમારત જેવડું મોટું TBM મશીન કાર્યરત, જાણો આ મેગા પ્રોજેક્ટની ખાસિયતો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડાવનારી બુલેટ ટ્રેનનું કામકાજ (ગુજરાતના હિસ્સા) 80 ટકા સંપન્ન થયું હોવાના અહેવાલ વચ્ચે મુંબઈમાં ટનલ બનાવવાનું પડકારજનક કામકાજના શ્રીગણેશ થઈ ગયા છે. વિક્રોલી ખાતે બુલેટ ટ્રેનની ટનલ બનાવવા માટે ભારતના સૌથી મોટા ટનલ બોરિંગ મશીન (ટીબીએમનું વજન લગભગ 500 હાથી બરાબર છે) મારફત ખોદકામ શરુ કરવામાં આવ્યું છે, જે એક નવા રેકોર્ડ સમાન છે. મુંબઈમાં કુલ 21 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે, જેમાં પાંચ કિલોમીટરનો કોરિડોર બનાવી દેવામાં આવ્યો છે, જ્યારે કુલ 16 કિલોમીટરનું કામ બાકી છે.
વિક્રોલીમાં બુલેટ ટ્રેનની ટનલના નિર્માણ માટે કામકાજ હવે યુદ્ધના ધોરણે શરુ કરવામાં આવ્યું છે. મુંબઈ બુલેટ ટ્રેનની યોજના માટે ટનલનિર્માણ માટે ભારતના સૌથી મોટા ટનલ બોરિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે રેલવે મંત્રાલય પણ 15 ઓગસ્ટ 2027 સુધીમાં બુલેટ ટ્રેન દોડાવવાની અપેક્ષા રાખવામાં આવી છે.
પાંચ કિલોમીટરનો કોરિડોર તૈયાર
મુંબઈ બનાવવામાં આવેલી 21 કિલોમીટર લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ સેક્શનમાં સાવલી (ઘણસોલી) અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) વચ્ચે 16 કિલોમીટરના હિસ્સો બનાવામાં આવશે. બાકી પાંચ કિલોમીટરનો ભાગ એનએટીએમ દ્વારા પૂરો કરવામાં આવ્યો છે. એનએચએસઆરસીએલએ જણાવ્યું કે વિક્રોલીમાં લોન્ચ કરવામાં આવેલ ટીબીએમ 6 કિલોમીટર લાંબી સિંગલ ટ્યુબ ટનલનું ખોદકામ કરશે, જે બુલેટ ટ્રેનના અપ એન્ડ ડાઉન એમ બંને દિશાના ટ્રેકને સમાયોજિત કરવા તૈયાર કરી છે. આ મશીન બહુમાળી ઈમારત, રસ્તા, મીઠી નદી અને અન્ય મહત્ત્વપૂર્ણ પરંપરાગત માળખા સહિત અમુક વન વિસ્તારમાંથી પસાર થશે.

સૌથી મોટા ટીબીએમ મશીનનો ઉપયોગ
બુલેટ ટ્રેનની ટનલ બનાવવા માટે સૌથી મોટા ટીબીએમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં 13.6 મીટર વ્યાસ (ચાર માળની ઈમારત બરાબર)નો એક મોટો કટરહેડ છે, જ્યારે તેનું વજન 3,100 ટન છે, જે 500 એશિયાઈ હાથી બરાબર છે. જેની કુલ લંબાઈ 96 મીટર (એક ફૂટબોલના મેદાનની લંબાઈના બરાબર) છે. મશીનમાં કટર વ્હિલ, હેડ, મેન બેયરિંગ, જો ક્રશર, ઈરેક્ટર, મેન શિલ્ડ, ટેલ શિલ્ડ અને ચાર સ્પેશિયલ ગેન્ટ્રીનો સમાવેશ થાય છે. કટર વ્હિલ (રિવોલ્યુશન મિનિટદીઠ) એટલે ચાર ચક્કર પ્રતિમિનિટે ઘૂમે છે.
ટનલ બનાવવા માટે 77,000 કોક્રિંટ રિંગ
થાણે જિલ્લાના મહાપેમાં 11.17 હેક્ટરમાં તૈયાર કરવામાં આવેલા કાસ્ટિંગ યાર્ડમાં 16 કિલોમીટર લાંબા ટીબીએમ સેક્શન માટે ટનલ લાઈનિંગ સેગમેન્ટ બનાવવાનું કામ પહેલાથી ચાલુ છે. કુલ 77,000 કોક્રિંટ સેગમેન્ટ તૈયાર કરવામાં આવશે, જ્યારે દરેક રિંગમાં નવ કર્વ સેગમેન્ટ્સ અને એક મુખ્ય સેગમેન્ટનો સમાવેશ થાય છે.
ટીબીએમનો ઉપયોગ કરીને ખોદેલા ટનલ સેક્શનમાં સંપૂર્ણ રીતે વોટરપ્રુફ સ્ટ્રક્ચર તરીકે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જ્યારે પૂરી ટનલ રિંગનું વજન 100 ટન છે. પાણી લીકેજને રોકવાની સાથે રિયલ ટાઈમ મોનિટરિંગ માટે સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે, જ્યારે ટનલની લાઈનિંગમાં ડબલ લેયર એથિલીન પ્રોપિલીન ડીએન મોનોમર (ઈપીડીએમ) ગાસ્કેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બુલેટ ટ્રેનના કોરિડોરની મહત્ત્વની વાતો
. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ભારતની સૌથી પહેલી હાઈ સ્પીડ રેલ યોજના છે
. શિન્કાનસેન ટેક્નિક આધારિત બુલેટ ટ્રેનની ઝડપ કલાકના 320 કિલોમીટર છે
. મુંબઈથી અમદાવાદ વચ્ચેની સફર બેથી અઢી કલાકમાં પાર કરી શકાશે
. બુલેટ ટ્રેનની સ્પીડ ડિઝાઈન કલાકના 350 કિલોમીટર હશે, પરંતુ મિનિમમ 320 હશે
. હાઈ સ્પીડ કોરિડોરના સ્ટેશન 12 હશે, જેમાં મુંબઈમાં બીકેસી, થાણે, વિરાર, બોઈસર
. ગુજરાતના સ્ટેશનમાં વાપી, બિલિમોરા, સુરત, ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે.