માનસ મંથનઃ
મોરારિબાપુ
કુંભકર્ણ ધાર્મિક પણ છે અને અધાર્મિક પણ છે. બંનેનું મિશ્રણ છે. રાવણ જ્યારે એને જગાડે છે ત્યારે આ માણસ એને ઠપકો આપે છે. આ માણસે બોધ શરૂ કર્યો છે. એ જોતા એમ લાગે કે આ માણસ બહુ ધાર્મિક છે. રાવણને એણે કહ્યું, ‘તે આ શું કર્યું? જાનકી તો જગતની માતા છે. હે શઠ, તું માનું અપહરણ કરીને કલ્યાણ ઈચ્છે છે? તેં આ બહુ મોટી ભૂલ કરી છે. તેં મને પહેલા કેમ ન જગાડ્યો?’ આદિ-આદિ વાતો કરી છે, પરંતુ કલાકના આ સંવાદ પછી રાવણે શરાબ મંગાવ્યો અને અભક્ષ ભક્ષણ એ બધું મંગાવ્યું. પહેલા ધર્મની ચર્ચા કરનારો, આપણને પગે લાગવાનું મન થાય એવા કુંભકર્ણને પણ એક કલાક પછી એ માણસે જે ખાધું અને પીધું ને પછી એના તમામ વિચારો દબાઈ ગયા અને સાક્ષાત ધર્મરૂપ રામ છે એની સામે તેણે અધર્મની યાત્રા શરૂ કરી ! એટલે એ ધર્મ અને અધર્મનું મિશ્રિત રૂપ છે.
માણસ બહુ સારો હોય, પણ માણસ થોડો નશો કરે અને ન ખાવાનું ખાય એટલે એના વિચારો ફરે જ. સીધી વાત છે. એટલે જ આપણા ધર્મો કહે છે કે ભાઈ, બને એટલા વ્યસનથી દૂર રહો. બને એટલા વ્યસન ઓછા કરો. ધીરે-ધીરે છોડો. હમણાં મને કોઈએ કહ્યું કે ફલાણા ભાઈ બહુ શરાબ પીવે છે. મેં કીધું, હવે એમાં કોઈ ફેરફાર થાય તેમ નથી, પણ એને એટલો સંદેશો આપજો કે તું દારૂ ન છોડે તો વાંધો નહીં, પણ બાપુએ કીધું છે, મહેરબાની કરી અને દ્વેષ છોડી દેજે. હા, દારૂ નુકસાન તો કરે જ છે, પણ ન છૂટે ને દ્વેષ છૂટી જાય તો પણ કેટલું મોટું કામ થઈ જાય?
માણસના વિચારો ફરે છે અમુક ખાવાથી, પીવાથી. અહીં તો આપ બધા વૈષ્ણવો છો એટલે આવું નહીં કરતા હો અને કરતાં હો કદાચ વાર- તહેવારે અથવા તો રિસેપ્શન વખતે કરતા હો ! ખેર! અત્યારે આપણો એ વિષય નથી. પણ કુંભકર્ણનું જે રૂપ છે તે મને ગુરુકૃપાથી સમજાયું છે કે તેમાં ધર્મ-અધર્મ બંનેનું મિશ્રણ છે. વિભીષણ એક એવું પાત્ર છે જે ધર્મશીલ છે. તમે સૌ વર્ષોથી વિદેશમાં રહો છો તેમ છતાં ધર્મને ટકાવવાના પ્રયત્નો કર્યા છે.
આમ તો ઘણા મુદ્દાઓ આપી શકાય, પરંતુ શરીરની બીમારી અને મનની બીમારીના મુખ્યત: બે-બે કારણ છે અને એ ચારેય પ્રકારે ક્યારેક મને અને તમને માનસિક અને શારીરિક બીમારી લાગે ત્યારે આપણા જીવનમાં કોઈ હનુમાનજી જેવા વૈદની, સદ્દ્ગુરુની જરૂર ઊભી થાય. આહાર અને અનિયંત્રિત વિહાર શરીરના રોગના મૂળ કારણ છે. રાવણના આ બંને ખરાબ છે. વિચાર અને નિહાર એ બે માનસિક બીમારીના કારણો છે. આ સર્વકાલિક સૂત્ર છે. હવે આવી ચારે ચાર વસ્તુથી જીવ જયારે ગ્રસ્ત હોય,ત્યારે એને હનુમાનજીની જ જરૂર પડે. રાવણનો આહાર ખરાબ છે,એનો વિહાર નિયંત્રિત નથી. બેફામ છે. અપ્સરાઓ, ક્ધિનરોની ક્ધયા, ગંધર્વોની ક્ધયા, નાગદેવતાઓની ક્ધયા, ઋષિ ક્ધયાઓ આ બધાંના અપહરણ કરીને સતત ભોગમાં જીવતો જીવ.
અતિશય રાગ થાય તો રોગ થાય. એ ગણિત છે. પણ અતિશય રોગ થાય તો ક્યારેક-ક્યારેક રાગ ઓછો થઇ જાય. અને તેથી પ્રેમ એ અતિશય રોગ નથી મહારોગ છે. જેને પ્રેમ થયો એનો રાગ ઓછો થઇ જાય. માણસને તાવ આવે તો જે-જે વસ્તુ ખાવાની ઈચ્છા થતી હોય એ બધી કડવી લાગવા માંડે. મહારોગ પ્રેમ છે. અને એ રોગનું કેવલ ભગવદ્ પ્રાપ્તિ સિવાય કોઈ ઓસડ નથી.
તો બાપ ! આહાર અને વિહાર શારીરિક રોગનું મૂળ છે. તમે બહુ જ માનસિક રીતે ચિંતન કરો અને શાસ્ત્ર એને પ્રમાણ આપે છે. એટલે કહું છું કે, ‘તમારો આહાર બરાબર ન હોય ને! તોપણ તમે બરોબર પ્રેમ ન કરી શકો. તમારો શુદ્ધ આહાર પ્રેમ માટે પણ ખૂબ જરૂરી છે.’ હવે તમે એમ કહી શકો કે, જે અભક્ષ ભક્ષણ પશુઓ કરે છે એ પ્રેમ નથી કરતા? કરે છે. કામચલાઉ, પછી અભક્ષ ભક્ષણ કરનારા પશુઓ બધાના સંબંધો ભૂલી જાય છે. એના સંબંધો ક્ષણ-જીવી હોય છે. જે માણસો મનુષ્ય શરીરમાં આવીને અભક્ષ ભક્ષણ કરે છે ઈંડા, માંસ આદિ... એના પ્રેમની આવરદા મોટી નથી હોતી. એનો પ્રેમ એક જગ્યાએ કેન્દ્રિત નથી હોતો. તેથી ઘણી વ્યવસ્થાઓમાં બહુપત્નીની વાતો આવી.
કારણ કે તમારા આહાર વિપરીતને કારણ તમે એકમાં પ્રેમ ટકાવી શક્યા નથી. એ સ્પષ્ટ દર્શન છે. ઘણા કહેને ‘પ્રેમને શું બંધન નડે?’ નહિ. બહુ જ સૂક્ષ્મ દ્રષ્ટિથી પ્રેમ તો ઋષિ-મુનિઓએ કર્યો. કારણ કે એમનો આહાર શુદ્ધ હતો. પ્રેમ તો શુદ્ધ અંત:કરણથી થાય. અને આહાર શુદ્ધિ વગર સત્વશુદ્ધિ? શાસ્ત્રોએ ના પાડી છે. પ્રેમ કઈ રીતે થઇ શકે? ભક્તિ તત્ત્વ એટલું પ્રબળ ત્યાં નથી બન્યું. ભક્તિ તો દ્રવિડમાં થઇ. ભલે ક્યાંક નાની થઇ, ક્યાંક મોટી થઇ પણ આખરે તો ભારતની પેદાશ છે. જન્મભૂમિ, હિંદુસ્તાન છે.
ગુજરાતમાં જઈને ભક્તિ ઘરડી થઇ એમ પણ કહી શકાય અને ગુજરાતમાં જઈને ભક્તિ પ્રૌઢ થઇ એમ પણ કહી શકાય. જે હોય તે. આહાર શુદ્ધિ ભજન કરવા માટે પણ જરૂરી છે. પીણું પણ આહાર છે. ખરાબ પીણાં છોડો. કેટલી જુવાની ભ્રષ્ટ થઇ જાય દેશની! અને હવે તો પોતાની જાતને સુશિક્ષિત દેખાડવા માટે બહેનો પણ પીતી થઇ. હં! એક વસ્તુને હું વંદન કરું-કથામાં આવીને લોકો નિખાલસ ઘણા થઇ ગયાં.
કેટલી બહેનો-દીકરીઓ મને વાત કરે છે, પત્રમાં જણાવે છે કે ‘બાપુ,અમે કથા સાંભળી, પણ એક વખત ભૂલમાં સોબતમાં પીવાઈ ગયું. એની નિખાલસતાને, કબુલાતને વંદન.’ જે તમને પી જાય એને તમે ન પીઓ. એ આખરે તમને પી જાય. એ તો હકીકત છે. એવું ન પીઓ, એવું પીઓ જે મને ને તમને પુષ્ટ કરે. હરિનામ પીઓ. તો ગુરુ દક્ષિણામાં આ આપજો. છોડી દો ખોટા પીણાં. કેટલી મોટી ક્રાંતિ થાય! સાંભળનારા લોકો જો સંકલ્પ કરવા માંડે તો હં !
મારો કહેવાનો અર્થ બાપ! કથા સાંભળીને એક ધડાકે ઓછું કરી દો તો તો બહુ સારું, તો તો એના જેવું એકેય નહિ. પણ ઘણી જૂની આદત હોય અને એક ધડાકે ઓછી ન થાય... હું બહુ ચા પીતો. એક ધડાકે ન ઓછી કરી શક્યો. હવે ઓછી થઇ ગઈ. પાંચ-સાત ઘૂંટડા પીઉં છું. નહિતર મારી ચા એટલે..! ઓ...હો...હો...હો..! અડધો અડધો કલાકે ચા જ પીધા કરતો. કોઈ કહે ‘ચા?’ તો કહું ભગવાન તને હો વરસનો કરે. બનાવ... બનાવ’ હવે એની મેળે ઓછી થઇ ગઈ. હજી પીવી જોઈએ. પણ ધીરે-ધીરે. મારે તમને એક સાધુની અપીલ છે બાપ! હં! ધીરે-ધીરે ઓછું કરી દેજો.
કારણકે શારીરિક બીમારીનું મૂળ છે આ. પરદેશમાં પણ આપણને આવા દાખલા મળે ચોવીસે કલાક માણસો પીવે અને પછી કહે કે અમારા ફેંફસા ખલાસ થઇ ગયાં. તે ખલાસ ન થાય તો શું થાય? એમાં બગીચા થાય? ફૂલ ખીલે? માનસિક બીમારીથી બચવા માટે વિચાર શુદ્ધ અને નિહાર,એટલે દર્શન શુદ્ધ રાખવું. મનુષ્ય જેવો મનુષ્ય ઇન્દ્રિયોનો ગુલામ થઇ ગયો છે ! ભગવદકથાને અનુષ્ઠાનનું રૂપ બનાવો. આપ કામધંધા છોડીને અહી નવ દિવસ બેસવાના છો તેનું કોઈ ઠોસ પરિણામ આવવું જોઈએ તો બહુ સુંદર ફળ મળશે.
(સંકલન : જયદેવ માંકડ)