Sat Aug 29 2026

Logo

મેઘરાજાની પધરામણીના સંકેત! અંદમાનમાં 16 મેથી ચોમાસું બેસશે, જાણો ગુજરાતમાં ક્યારે થશે એન્ટ્રી?

2026-05-14 20:31:48
Author: Vimal Prajapati
મેઘરાજાની પધરામણીના સંકેત! અંદમાનમાં 16 મેથી ચોમાસું બેસશે, જાણો ગુજરાતમાં ક્યારે થશે એન્ટ્રી?

નવી દિલ્હીઃ ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. આ કાળઝાળ ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ વર્ષના ચોમાસાને લઈને મહત્વનું અપડેટ જાહેર કર્યું છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં વહેલું અથવા સમયસર આગળ વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આપેલી વિગતો પ્રમાણે આગામી ચારથી પાંચ દિવસમાં તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને દક્ષિણ કર્ણાટકમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. 

અંદમાનમાં 16 મેથી વિધિવત આગમન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ બંગાળની ખાડી, અંદમાન સાગર અને અંદમાન-નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં શનિવાર, 16 મે 2026 ની આસપાસ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ અત્યંત સાનુકૂળ છે. સામાન્ય રીતે ચોમાસું મેના અંતમાં આવતું હોય છે, પરંતુ આ વખતે મેના બીજા સપ્તાહમાં જ દસ્તક આપી શકે છે.

ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?

IMD ના રિપોર્ટ મુજબ, જો ચોમાસું અંદમાનમાં 16 મે સુધી પહોંચી જાય અને તેની ગતિ જળવાઈ રહે, તો કેરળમાં 1 જૂન આસપાસ મેઘરાજા પધરામણી કરશે. આ જ ક્રમમાં આગળ વધતા ગુજરાતમાં 15 જૂન આસપાસ સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ શકે છે. જોકે, શરૂઆતના તબક્કે અલ-નીનોની અસર જોવા મળી શકે છે, જેની અસર વરસાદના પ્રમાણ પર પડી શકે છે.

દેશના અન્ય રાજ્યોમાં વરસાદનું એલર્ટ

આ સપ્તાહ દરમિયાન દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને દક્ષિણ કર્ણાટકમાં આગામી 4-5 દિવસ તેજ પવનો સાથે ભારે વરસાદ પડી શકે છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં 40-50 kmph ની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદની શક્યતા છે. આ સાથે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

ભીષણ ગરમી અને લૂનો પ્રકોપ

એક તરફ વરસાદની આગાહી છે, તો બીજી તરફ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગરમીનો પારો પણ આસમાને છે. ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં હજુ આ સપ્તાહ દરમિયાન 'હીટવેવ' (Heat Wave) જારી રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. . તાપમાન 43°C થી 45°C સુધી પહોંચવાની શક્યતા હોવાથી લોકોને બપોરના સમયે સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.