Thu Apr 30 2026

Logo

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ અમદાવાદની જૂની પોળમાં નવું ઘર

2026-03-21 10:41:00
Author: Hemant Wala
Article Image

 

હેમંત વાળા

આ એક રસપ્રદ રચના છે જેમાં અમદાવાદ શહેરના જૂનાં પોળ વિસ્તારમાં એક નવા અભિગમ સાથે પરંપરાગત પોળનાં આવાસની સ્થાપત્ય-શૈલીનો પ્રયોગ કરાયો છે. `ઇનપ્રેકટિસ' સ્થાપત્ય ગ્રુપ દ્વારા વર્ષ 2022માં તૈયાર થયેલું માત્ર 76 ચોરસ મીટર વિસ્તારનું આ આવાસ ઘણી રીતે ઉલ્લેખનીય છે. 

અહીં પરંપરા છે અને આધુનિકતા પણ, બંધીયારપણું છે અને મુક્તતા પણ, સ્થાન સાથેનો લગાવ છે અને આવાસનું વ્યક્તિગત વિધાન પણ, સમન્વય છે અને વિશેષતા પણ, સાદગી છે અને રસિકતા પણ, સ્થિરતા છે અને જીવંતતા પણ, વાસ્તવિકતા છે અને કલ્પના પણ. એક અભિપ્રાય પ્રમાણે આ આવાસ એક વ્યવહા, સરળ, ન્યૂનતમ, સાદું, આરામદાયક, સ્થાનિક આબોહવાને અનુરૂપ, સાંજોગિક, વૈભવી તેમજ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉલ્લેખનીય પ્રયોગ સમાન રચના છે.

પરંપરાગત પોળના આવાસની જેમ અહીં મધ્યમાં ચોક છે. પરંપરાગત આવાસમાં ચોક દ્વારા દિવસના સમય અને ઋતુના બદલાવ પ્રમાણે પ્રકાશની જે રમત તથા નાટકીતા ઊભી થતી હતી, તે અહીં પણ છે. પરંપરાગત આવાસ મુજબ અહીં નીચે ભોંયતળિયે - ગ્રાઉન્ડ ફ્લોરમાં દીવાનખંડ સાથે રસોઈકક્ષ અને ભોજનકક્ષનો સમાવેશ થયો છે, જ્યારે ઉપરના માળે શયનકક્ષ છે. 

પરંપરાગત આવાસ મુજબ અહીં પણ અગાસીની પણ ઉપયોગિતા છે, સમાંતર દીવાલો પર સમગ્ર મકાનનું ભારવહન નિર્ધારિત કરાયું છે, ઉપર અને નીચેના માળ વચ્ચેનો દ્રશ્ય-સંપર્ક સ્થાપિત કરાયો છે, ઉપયોગિતાના મુખ્ય સ્થાનમાંથી આવનજાવનની છૂટ રખાઈ છે, દીવાલમાંથી બહાર ઝૂલતો નીકળતો દાદર છે અને આ બધાં સાથે પરંપરાગત શૈલીમાં જેમ થતું આવ્યું છે તેમ ચોક-કેન્દ્રિત આંતર્ભીમુખ આવાસ-નિર્ધારણ છે. આમ આવાસની મૂળભૂત કલ્પના પોળના પરંપરાગત આવાસ સાથે સરસ મેળ ખાય છે.

અહીં શેરી સાથે દ્રશ્ય સંપર્ક હોવાં છતાં બારીની વિશેષ પ્રકારની ગોઠવણને કારણે ગોપનીયતા જળવાઈ રહે છે, ઉપરના માળે પરંપરાગત ઝરૂખાની ગેરહાજરી હોવાં છતાં રહેણાંકીય પ્રમાણમાપની `ઝરૂખો' કહી શકાય તેવી બારી પ્રયોજાઈ છે, ચારે બાજુ ખુલ્લી જગ્યા હોવાં છતાં પણ એક દીવાલને ઉપયોગિતાના સંદર્ભમાં બંધ કરી દેવામાં આવી છે, આ બધી વાતોથી આવાસની `પરંપરા' પ્રત્યેની કટિબદ્ધતા ઓછી નથી થતી.

સ્થાપત્યના અંગોની દ્રષ્ટિએ વાયવ્ય ખૂણામાં ગોઠવાયેલ વળાંકવાળો પ્રવેશ, નીચા સ્તરે ઊંડાણમાં ગોઠવાયેલ બારીઓ થકી આબોહવાના વિપરીત પરિબળો સામે મળતું રક્ષણ, તે સાથે તે ઊંડાણમાં ઉદ્ભવતી સ્ટોરેજની સગવડતા, બંધ દિવાલ સાથે જોડાયેલ દાદર તથા ટોયલેટ, ભોંયતળિયે કોઈપણ પ્રકારના વિભાગીકરણ વિનાનું એક બહુ ઉપયોગી કહી શકાય તેવું સ્થાન, ઉપરના માળે ઉભાં ઉભાં પુસ્તક પર નજર નાખી શકાય - વાંચી શકાય તેવી સરળ વ્યવસ્થા, 

કેટલીક બારીઓની ત્રાંસને કારણે દૃશ્ય અનુભૂતિમાં સ્થાપિત થતો વિશેષ પ્રકારનો `ઇમ્પેક્ટ', જમીનના સ્તરે નાના છોડવા માટે કરવામાં આવેલી ગોઠવણ, માત્ર દેખાવ માટે સામાન્ય રીતે કરવામાં આવતી કોઈપણ પ્રકારની ચેષ્ટાનો અભાવ, સામાન્ય રીતે પોળના આવાસમાં જોવા ન મળતી, પરંતુ અહીં ગોઠવવામાં આવેલી પહેલા માળની પ્રમાણમાં મોટી કહી શકાય તેવી અગાસી, આ અને આવી બાબતો આ આવાસની ખાસિયત કહી શકાય. 

આ આવાસ દેખાવમાં પરંપરાગત કહી શકાય તેવું નથી અને તેની આવશ્યકતા પણ નથી. આ આવાસને જો શહેરની બીજી વિકસિત જગ્યાએ ગોઠવી દેવામાં આવે તો તેનાં દેખાવમાં કોઈપણ પ્રકારનાં ફેરફારની આવશ્યકતા ન જણાય. વાસ્તવમાં આ એક સકારાત્મક બાબત કહી શકાય. દેખાવમાં આ આવાસ કોન્ક્રીટની એકશૈલી-મોનોલિથિક રચના જણાય છે.

આવાસમાં માત્ર એક જ શયનકક્ષનો સમાવેશ કરાયો હોવાથી એમ કહી શકાય કે આ `એકાકી' કુટુંબ માટેનું આવાસ હશે. આધુનિક સમાજમાં આ વાત સ્વાભાવિક પણ છે. બની શકે કે અહીં રહેનાર વ્યક્તિને પરંપરાગત પોળની જીવનશૈલી મુજબની `સામાજિકતા'ની આવશ્યકતા ન હોય. તેથી જ કદાચ, અહીં આડોશ-પાડોશ સાથે સંબંધ સ્થાપિત કરે તેવો ઓટલો નથી. સ્વાભાવિક છે કે આધુનિક જીવનશૈલી અનુસાર જ્યાં ગોપનીયતાનું મહત્ત્વ વધુ હોય ત્યાં આવાં ઓટલાની આવશ્યકતા પણ ન હોય. 

અહીં આવાસની મધ્યમાં ચોક છે પણ તે ઉપરથી ખુલ્લો નથી, કારણકે જ્યાં આવાસની અંદરનું તાપમાન વીજળીનાં ઉપકરણો દ્વારા નિયંત્રિત કરી શકાતું હોય ત્યાં હવે તે પ્રકારની ગોઠવણી જરૂરી ન રહે. પરંપરાગત આવાસમાં સામાન્ય રીતે પ્રથમ માળે જોવા ન મળતી અગાસી અહીં છે, તે કદાચ જીવનશૈલીની જરૂરિયાત હશે. 

પરંપરાગત આવાસમાં પ્લિન્થ ઊંચી હોય જેનાથી શેરીમાંથી મકાનની આંતરિક સ્થિતિ સાથેનો દ્રશ્ય સંપર્ક આવાસની જરૂરી ગોપનીયતાને હાનિ ન પહોંચાડે. અહીં પ્લિન્થ નીચી છે તે છતાં પણ `બંધીયાર' દીવાલોને કારણે ગોપનીયતા જળવાઈ રહે છે. અહીં આવાસની રચનામાં પાર્કિંગની વ્યવસ્થા નથી, પરંતુ પોળમાં તે આમ પણ તે પ્રકારની વ્યવસ્થા નથી હોતી.

આ આવાસ એકંદરે શાંત જણાય છે છતાં તેમાં કુદરતી પ્રકાશની હાજરીને કારણે એક પ્રકારની રમ્ય નાટકીયતા ઊભી થાય છે. ગીચ વસ્તીની વચ્ચે આવાસની હાજરી હોવા છતાં અહીં રહેનાર વ્યક્તિની ગોપનીયતા પૂરેપૂરી જળવાઈ રહે તેવી સંભાવના છે. બાંધકામની સામગ્રી અને તેનાં આધુનિક વિગતિકરણને કારણે આવાસ એક સમયે `આગંતુક' જણાય તે છતાં પણ તેનાં પ્રમાણમાપને કારણે તે આગંતુકતા સ્વીકૃત બની રહે છે. એક અભિપ્રાય પ્રમાણે આ આવાસ `કોમ્પેક્ટ' છે છતાં પણ તેનાં વિશેષ પ્રકારનાં સ્થાન આયોજનને કારણે અહીં મોકળાશની અનુભૂતિ શક્ય બને.

એક સમયે પરંપરાગત પોળનાં આવાસ અને શેરી વચ્ચે જે સંવાદ સ્થાપિત થતો હતો તે અહીં સ્વાભાવિક રીતે જોવા ન મળે, તેની અપેક્ષા પણ ન હોય. છતાં પણ અહીં આવાસ અને શેરી વચ્ચેનું સહ અસ્તિત્વ ટકી રહે છે. આ એક આધુનિક જીવનશૈલી મુજબ પરંપરાગત પોળના આવાસનું અર્થઘટન છે. આ આવાસ શેરી અને આવાસ વચ્ચેનું સમીકરણ ફરીથી `પુન: નિર્ધારિત' કરે છે.