Wed Sep 16 2026

Logo

એમએમઆરડીએના પ્રોજેક્ટ સાઈટ પર અક્સમાતનો સિલસિલો ચાલુ જ

2026-05-07 08:34:00
Author: Sapna Desai
એમએમઆરડીએના પ્રોજેક્ટ સાઈટ પર અક્સમાતનો સિલસિલો ચાલુ જ

હવે વરલી-શિવડી એલિવેટેડ રોડ પ્રોજેક્ટ સાઈટ પર એક્સિડન્ટ:  
એકનું મોત, કૉન્ટ્રેક્ટરની બેદરકારી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના પ્રોજેક્ટ સાઈટ પર એક્સિડન્ટ થવાની વણઝાર કઈ  થોભતી નથી. સોમવારે મોડી રાતે એલિવેટેડ રોડના કામ દરમ્યાન લોખંડની ફ્રેમ ક્રેન એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જતા સમયે એક મજૂરના પેટ અને છાતીમાં તે લાગી જતા તે ઘટના સ્થળે જ બેભાન થઈ ગયો હતો. સારવાર દરમ્યાન મંગળવારે તેનું મૃત્યુ થયું હતું. ભોઈવાડા પોલીસે ક્રેનના ડ્રાઈવર સહિત સુપરવાઈઝર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

દક્ષિણ મુંબઈથી અટલ સેતુ ઝડપથી પહોંચી શકાય તે માટે એમએમઆરડીએ દ્વારા વરલી-શિવડી એલિવેટેડ રોડનું કામ કરવામાં આવી રહ્યું છે. સોમવારે મોડી રાત પરેલમાં કેઈએમ હૉસ્પિટલ નજીક આચાર્ય દોંદે માર્ગથી પરેલ ટીટી દરમ્યાન ચાર લોંખડના ફ્રેમ ક્રેન લઈને જવાનું કામ કામગારો કરી રહ્યા હતા. બે ફ્રેમ પહોંચ્યા બાદ બાકીની ફ્રેમ ઊંચકીને લઈ જતા સમયે ક્રેનના ડ્રાઈવરની બેદરકારી કારણે ક્રેન હલી જતા લોંખડની ફ્રેમ પણ હલી ગઈ હતી અને નજીક કામ કરી રહેલા ૧૯ વર્ષના  રવી ગિરીના છાતીમાં અને પેટમાં લાગી જતા તે બેભાન થઈ ગયો હતો. તેને તરત નજીક આવેલી કેઈએમ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યા બુધવારે સવારના તેનું મૃત્યુ થયું હતું.
આ પ્રકરણમાં ક્રેનના ડ્રાઈવર ૨૫ વર્ષના મોહમ્મદ અનસ શેખ અને સુપરવાઈઝર અનિલ શિવદયાલ ગિરીની વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો હોવાનું સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું. સોમવારે રાતના કામ ચાલી રહ્યું હતું ત્યારે સુપરવાઈઝર કામના સ્થળે ગેરહાજર હતો. તેથી તેના સહિત ક્રેનના ડ્રાઈવર વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધવામાં આવ્યો છે.

એમએમઆરડીએના અધિકારીના જણાવ્યા મુજબ જે. કુમાર કંપની તરફથી આ કામ કરવામાં આવી રહ્યું છે અને તેમના તરફથી અનેક વખત સાઈટ પર બેદકારી રાખવામાં આવતા એક્સિડન્ટ થયા હોવાનું જણાઈ આવ્યું છે. મેટ્રો-૯ (દહિસરથી મીરા-ભાયંદર) રૂટ પર કામ દરમ્યાન જે.કુમાર કંપનીની બેદરકારીને કારણે થયેલા એક્સિડન્ટને કારણે સાતનાં મૃત્યુ થયા હતા. છતાં આ કંપની વિરુદ્ધ એમએમઆરડીએ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોવાનું જણાઈ આવ્યું છે.