Thu Sep 10 2026

Logo

ડાર્ક વેબ અને એન્ક્રિપ્ટેડ ચૅનલોથી એજન્ટનો સંપર્ક સાધવામાં નિષ્ફળ ગયા પછી અન્સારીએ ‘લૉન વૂલ્ફ અટૅક’ની યોજના બનાવી

2026-05-01 08:34:00
Author: Yogesh C. Patel
ડાર્ક વેબ અને એન્ક્રિપ્ટેડ ચૅનલોથી એજન્ટનો સંપર્ક સાધવામાં નિષ્ફળ ગયા પછી અન્સારીએ ‘લૉન વૂલ્ફ અટૅક’ની યોજના બનાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મીરા રોડમાં પહલગામ સ્ટાઈલમાં નિર્માણાધીન ઈમારતના બે વૉચમેન પર હુમલો કરવાના કેસની તપાસમાં મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ને કેટલીક ચોંકાવનારી માહિતીઓ મળી રહી છે. વૉચમેન પર હુમલો કરનારો આરોપી ઝૈબ ઝુબેર અન્સારી છેલ્લા ચારેક મહિનાથી ડાર્ક વેબ અને એન્ક્રિપ્ટેડ ચૅનલોના માધ્યમથી આઈએસઆઈએસના એજન્ટોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સંપર્ક ન થતાં બેબાકળા બનેલા અન્સારીએ એજન્ટોનું ધ્યાન ખેંચવા ‘લૉન વૂલ્ફ અટૅક’ની યોજના બનાવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ પત્નીએ છૂટાછેડા આપ્યા અને વડીલો અમેરિકામાં રહેતા હોવાથી 31 વર્ષનો અન્સારી એકલવાયું જીવન જીવતો હતો. પરિણામે તેના મનમાં વિચિત્ર વિચારો રમતા હતા. એવામાં જેહાદી બનીને તે આઈએસઆઈએસમાં જોડાવાનું સપનું જોવા લાગ્યો હતો. આના ભાગ રૂપે તે ઈન્ટરનેટના માધ્યમથી કટ્ટરપંથી વિચારધારા અને સામગ્રીના સંપર્કમાં આવ્યો હતો.
કહેવાય છે કે તપાસ દરમિયાન અન્સારીના ઘરેથી મળેલા કાગળિયામાં તેણે આઈએસઆઈએસ પ્રત્યે પોતાની વફાદારી સંબંધી લખાણ લખ્યું હતું. એ સિવાય ઉશ્કેરણીજનક લખાણની સાથે લૉન વૂલ્ફ અટૅક અંગે પણ કાગળ પર લખવામાં આવ્યું હતું.

પૂછપરછમાં એટીએસને જાણવા મળ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી અન્સારી ડાર્ક વેબ અને એન્ક્રિપ્ટેડ ચૅનલથી આઈએસઆઈએસના એજન્ટો સાથે સંપર્ક સાધવાની કોશિશ કરતો હતો, પરંતુ સામે છેડેથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. હતાશ થઈ ગયેલા અન્સારીએ આખરે લૉન વૂલ્ફ અટૅકની યોજના બનાવી. ચાકુથી વૉચમેન પર હુમલો કરીને તે એજન્ટોનું ધ્યાન તેના તરફ ખેંચવા માગતો હતો.