જૂનાગઢઃ નવનિત બાલધિયા કેસમાં માયાભાઈ આહીરના દીકરો જયરાજ તાજેતરમાં જેલમાંથી છૂટ્યો હતો. જેલ મુક્ત થયાના ગણતરીના દિવસોમાં જ તે ફરી વિવાદમાં આવ્યો છે. ભવનાથ મેળામાં વાહનો પર પ્રતિબંધ હોવાથી લાખો શ્રદ્ધાળુઓ કિલોમીટર સુધી પગપાળા ચાલીને દર્શનાર્થે પહોંચી રહ્યા છે. જોકે જયરાજ આહીર તેના મિત્રો સાથે ખાનગી બસ લઈને ભવનાથ મેળામાં પહોંચ્યો હતો. આ અંગેનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. જિલ્લા કલેકટરે સમગ્ર મામલે તપાસનો આદેશ આપ્યો હતો.
જયરાજ આહીરનો વીડિયો થયો વાયરલ
જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં આ વખતે પ્રથમવાર વાહન પર સંપૂર્ણ પ્રતિબંધના દાવાઓ વચ્ચે નેતાઓ, ભાજપના આગેવાનોના પરિવારજનો, અધિકારીના પરિવારજનો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ભાડે રાખવામાં આવેલી બસમાં મેળો કરી રહ્યા છે. જયરાજ આહીર પોતાના મિત્રો સાથે ખાનગી બસમાં ભવનાથ તળેટીમાં આવેલા જુના અખાડા ખાતે આવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં મુજબ જયરાજ આહીર પોતાના મિત્રો સાથે ભવનાથ તળેટીમાં મેળો કરવા પહોંચ્યાનું સ્પષ્ટ બને છે. હાલ મેળામાં વાહન પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે તો કેવી રીતે આ વાહન ભવનાથ તળેટીમાં પહોંચ્યું તે એક સવાલ છે. આ ઉપરાંત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 40 જેટલી એસી લક્ઝરી બસ રાખવામાં આવી છે. આ બસનો વધુ દુરઉપયોગ થઈ રહ્યો હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.
કલેકટરે આપ્યા તપાસના આદેશ
જૂનાગઢ જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા. કલેક્ટરે જણાવ્યું હતું કે, ખાનગી બસ કયા સંજોગોમાં અને કોની મંજૂરીથી પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશી તેને લઈને ઝીણવટથી તપાસ કરાશે. તેમજ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
વિપક્ષે ઉઠાવ્યો સવાલ
વિપક્ષ નેતા લલિત પણસારા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે મેળામાં વીઆઈપી કલ્ચર ન થાય તે માટે અમે તંત્રને રજૂઆત કરી હતી. આંદોલન પણ કર્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન, કલેક્ટર સહિતના ચાલીને જતા હોય તેવા દેખાડા કરવામાં આવ્યા હતા ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડે ભાડે રાખેલી બસમાં જયરાજ આહીર મેળામાં પહોંચ્યો! તેમણે સવાલ ઉઠાવ્યો કે કલાકારના પુત્રને કેવી રીતે આ સુવિધા મળી શકે ?
માયાભાઈ આહીરના દીકરા જયરાજનો શું હતો વિવાદ
એક ડાયરામાં માયાભાઈ આહીરે યોગેશ સાગરને બગદાણા આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધ્યા હતા. બગદાણાના નવનીત બાલધિયાએ માયાભાઇને ફોન કરીને આ વાતનું ખંડન કર્યું હતું કે આશ્રમમાં આવું કોઈ પદ નથી. માયાભાઈએ માફી માંગી વીડિયો મોકલ્યો હતો. બાલધિયાએ કહ્યું કે માયાભાઈએ માફી માંગી તે તેમના પુત્ર જયરાજને પસંદ નહોતી પડી અને તેના જ ઈશારે ષડયંત્ર રચાયું હતું. 29 ડિસેમ્બર 2025ના રોજ નવનીત બાલધિયા પર આઠ જેટલા શખ્સોએ પાઈપ અને ધોકાથી ઘાતક હુમલો કર્યો હતો. આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. જે બાદ જયરાજની ધરપકડ કરવામાં આવી હતી.