Sun Sep 13 2026

Logo

રામસર સાઇટ છારીઢંઢમાં હજારો માછલીઓના મોતથી પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા

2026-06-25 18:20:31
Author: Devayat Khatana
રામસર સાઇટ છારીઢંઢમાં હજારો માછલીઓના મોતથી પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજ:
તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય રામસર સાઇટનો દરજ્જો મેળવનારા કચ્છના બન્નીના છારીઢંઢ વિસ્તારમાં એકસાથે હજારો માછલીઓ મોતના બનાવથી પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ચિંતા વ્યાપી છે. છેલ્લા બે દિવસથી વોચ ટાવરની આસપાસનો કિનારો મોટી સંખ્યામાં મૃત માછલીઓ અને તેની દુર્ગંધથી ખદબદી રહ્યો છે. સ્થાનિક માલધારીઓના મતે દર વર્ષે આ સિઝનમાં માછલીઓ મરે છે, પરંતુ આ વર્ષે તેનું પ્રમાણ ઘણું હોવાનું તેમણે જણાવ્યું હતું.

નખત્રાણાના પશ્ચિમ રેન્જના ફોરેસ્ટર વિજયકુમાર મોદીએ જણાવ્યું હતું કે, જૂનના મધ્યમાં પાણીનું સ્તર ઘટ્યા બાદ અસહ્ય તાપને લીધે જળાશયનું તાપમાન નોંધપાત્ર રીતે વધી ગયું છે. ગરમ પાણીના કારણે જળચરો પર મોટું જોખમ ઊભું થયું છે. આ ઉપરાંત, ભારે પવનના કારણે ક્ષારયુક્ત માટી ભળતાં પાણી અત્યંત ડહોળું અને ખારું થઈ જવાથી ઓક્સિજનની અછતને લીધે માછલીઓ મૃત્યુ પામી છે. ચાલુ વર્ષે વરસાદના વિલંબણા સ્થિતિ વધુ વિકટ બની છે. પવનના લીધે મૃત માછલીઓ તણાઈને એક જ કિનારે એકઠી થઈ ગઈ છે.

બીજી તરફ, સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે આ વર્ષે માછીમારીની પ્રવૃત્તિ પર સદંતર રોક લગાવી દેવાતાં માછલીઓનો ભરાવો થયો અને મૃત્યુઆંક વધ્યો છે. જેની સામે વન વિભાગે સ્પષ્ટતા કરી હતી કે વન વિસ્તારની હદમાં માછીમારી પર કાયદાકીય પ્રતિબંધ છે. હાલ વન વિભાગ દ્વારા મજૂરો રોકીને આ મૃત માછલીઓને ખાડામાં દાટીને વહેલી તકે નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું વન વિભાગે જણાવ્યું હતું.