Tue Aug 25 2026

Logo

હરેન પંડ્યા કેસ: આજીવન કેદ ભોગવતા શૂટરની જેલમુક્તિ અંગે હાઈ કોર્ટે રાજ્ય સરકારને આપ્યો મહત્વનો આદેશ

2026-06-25 19:19:43
Author: Devayat Khatana
હરેન પંડ્યા કેસ: આજીવન કેદ ભોગવતા શૂટરની જેલમુક્તિ અંગે હાઈ કોર્ટે રાજ્ય સરકારને આપ્યો મહત્વનો આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની વર્ષ 2003માં થયેલી ચકચારી હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા શૂટર મોહમ્મદ અસઘર અલીની સજા માફી અંગે ગુજરાત હાઈ કોર્ટે એક મહત્વનો આદેશ આપ્યો હતો.  
હાઈ કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે તે અસઘર અલીની વહેલી મુક્તિ માટેની અરજી પર આગામી છ મહિનામાં કાયદા અનુસાર યોગ્ય નિર્ણય લે. શૂટર અસઘર અલીની 26 માર્ચ, 2003ના અમદાવાદમાં હરેન પંડ્યાની ગોળી મારીને હત્યા કરાયાના થોડા દિવસો બાદ જ ધરપકડ કરવામાં આવી હતી.

અસઘર અલીએ હાઈ કોર્ટના દ્વાર ખખડાવતા રજૂઆત કરી હતી કે જેલમાં 14 વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ અને જેલ દરમિયાન તેનું વર્તન સારું રહ્યું હોવાથી તેણે વર્ષ 2025માં વહેલી મુક્તિ માટે અરજી કરી હતી, પરંતુ સરકાર દ્વારા તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. 

કોર્ટે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, જેલના રેકોર્ડ અનુસાર અરજદારની સજા માફીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને સલાહકાર સમિતિનો અભિપ્રાય પણ મેળવી લેવાયો છે, જેને ટૂંક સમયમાં સક્ષમ સત્તાધિકારી સમક્ષ રજૂ કરાશે. આ બાબતોને ધ્યાને રાખીને કોર્ટે આદેશ મળ્યાના છ મહિનાની અંદર ઝડપથી નિર્ણય લેવા સરકારને જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની તપાસમાં બહાર આવ્યું હતું કે, વર્ષ 2002ના કોમી રમખાણોનો બદલો લેવા માટે હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. આ મામલે આઈપીસી અને પોટા હેઠળ નોંધાયેલા ગુનામાં અસઘર અલી સહિત 18 લોકો સામે ચાર્જશીટ થઈ હતી, જેમાં વર્ષ 2007માં સીબીઆઈ કોર્ટે અલીને આજીવન કેદની સજા ફટકારી હતી.
 
વર્ષ 2019માં હાઈ કોર્ટે અલી સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ સીબીઆઈની અપીલ બાદ સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના એ આદેશને ઉલટાવીને તમામ આરોપીઓને ફરી આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.