Thu Jun 25 2026

Logo

એપીકે ફાઈલથી મોબાઈલ હૅક કરી ત્રણ હજારથી વધુ લોકો સાથે છેતરપિંડી: ટોળકીના છ પકડાયા

2026-06-25 19:08:18
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
એપીકે ફાઈલની મદદથી મોબાઈલ હૅક કરીને દેશભરમાં ત્રણ હજારથી વધુ લોકો સાથે કથિત છેતરપિંડી કરનારી સાયબર ઠગ ટોળકીના છ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ટોળકીએ અત્યાર સુધીમાં 43 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોઈ તેમની પાસેથી વિવિધ પ્રકારના ડિજિટલ પુરાવા મળી આવ્યા હતા.

વેસ્ટ રિજન સાયબર પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ આરિફ અસ્તુન અન્સારી (28), શેખ બેલાલ નૌશાદ (28), મેહબૂબ નૌશાદ આલમ (26), સાજિદ મન્સૂર અલી (29), મોહન કુશલ મહતો (23) અને સુનીલ કુમાર દશરથ સોરેન (25) તરીકે થઈ હતી. આરોપીઓને દિલ્હી, બિહાર અને ઝારખંડમાંથી તાબામાં લેવાયા હતા.

મહાનગર ગૅસ લિમિટેડને નામે કરાયેલી છેતરપિંડીના એક કેસની તપાસમાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. ફરિયાદીના મોબાઈલ ફોન પર એમજીએલ ગૅસ અનબ્લૉક ફાઈલ નામનો બોગસ મેસેજ મોકલવામાં આવ્યો હતો. મેસેજમાં એપીકે ફાઈલ હતી, જે ઈન્સ્ટોલ કરવાની ફરિયાદીને ફરજ પડાઈ હતી. બાદમાં ફરિયાદીનો મોબાઈલ હૅક કરી તેની બૅન્ક ખાતાની વિગતો પ્રાપ્ત કરવામાં આવી હતી અને ખાતામાંથી 2.35 લાખ રૂપિયાની ઉચાપત કરાઈ હતી.
આ પ્રકરણે સાયબર પોલીસે ગુનો નોંધી ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યો હતો. આરોપી દિલ્હી, ઝારખંડમાં હોવાની માહિતી મળતાં અધિકારીઓની એક ટીમ ત્યાં રવાના કરાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે બનાવટી એપીકે ડેવલપર, એપીકે મોકલનારા અને નાગરિકોને એપીકે મોકલાવી ઠગાઈ કરનારાઓને તાબામાં લેવાયા હતા.

આરોપીઓ પાસેથી 11 મોબાઈલ ફોન, એક લૅપટોપ અને અન્ય ડિજિટલ ગેઝેટ્સ જપ્ત કરવામાં આવ્યાં હતાં. તેમની પાસેના ડેટાબેસ ચેક કરતાં એપીકે સંબંધી 83 પૅકેજ નેમ અને 111 બનાવટી એપીકે ફાઈલ મળી આવી હતી. એપીકેની મદદથી મોબાઈલ હૅક કર્યા પછી સંબંધિત વ્યક્તિઓના મેસેજ ક્રિમિનલ સુધી મોકલવામાં આવતા હતા. બે સર્વરમાંથી આવા 1.24 કરોડ એસએમએસ રેકોર્ડ મળ્યા હતા.

જપ્ત કરાયેલા ડેટા અને એનસીસીઆર પોર્ટલ પરની ફરિયાદોનું વિશ્ર્લેષણ કરવામાં આવતાં ભારતના 3,206 લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું જણાયું હતું. આરોપીઓએ 43.25 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આરોપીઓ વિરુદ્ધ મુંબઈમાં 93 ફરિયાદ નોંધાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું, એવું અધિકારીનું કહેવું છે.