Thu Aug 27 2026

Logo

નરીમન પોઈન્ટથી ગિરગાવ ચોપાટી વચ્ચે રાહદારીઓ અને સાઈકલસવાર માટે સમર્પિત લેનની માગણી

2026-04-30 08:16:00
Author: Sapna Desai
નરીમન પોઈન્ટથી ગિરગાવ ચોપાટી વચ્ચે રાહદારીઓ અને સાઈકલસવાર માટે સમર્પિત લેનની માગણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરીન ડ્રાઈવ પર પારસી જિમખાના પાસે થયેલી દુર્ઘટનામાં ત્રણનાં મૃત્યુ બાદ રાહદારીઓ, જોગર્સ અને સાઈકલસવારો માટે સમર્પિત લેનની માગણી કરવામાં આવી છે. અગાઉ નરીમન પોઈન્ટથી ગિરગામ ચોપાટી સુધીનો પટ્ટો આવી પ્રવૃત્તિ માટે બેરિકેડ કરવામાં આવ્યો હતો પણ કોવિડ સમયગાળામાં આ વ્યવસ્થા બંધ કરવામાં આવી હતી.

ભાજપના નગરસેવક મકરંદ નાર્વેકરે મુંબઈ પોલીસ દેવેન ભારતી અને પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેને લખેલા પત્રમાં નરીમન પોઈન્ટથી ગિરગામ ચોપાટી સુધીના પટ્ટાને બેરિકેડિંગ કરવાની માગણી કરી છે, તેને કારણે નાગરિકોને ચાલવા માટે સમર્પિત અને સુરક્ષિત કોરિડોર મળી રહેશે. આ પગલાથી મુંબઈના સૌથી વ્યસ્ત અને સૌથી વધુ ભીડવાળા સ્થળ પર અકસ્માત અટકાવવામાં મદદ મળશે.

મરીન ડ્રાઈવ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે ભીડ રહેતી હોય છે અને ખાસ કરીને સવારના સમયે મોટી સંખ્યામાં નાગરિકો ચાલવા, જોગિંગ અને સાઈકલિંગ માટે લોકો બહાર નીકળતા હોય છે.

સોમવારે, ૨૭ એપ્રિલના વહેલી સવારના મરીન ડ્રાઈવ પર થયેલા અકસ્માતમાં ૧૯ વર્ષીય મોટરસાઈકલ સવારે એક વૃદ્ધ રાહદારી જે મોર્નિંગવોક માટે નીકળ્યા હતા તેને અડફેટમાં લીધા હતા, જેમાં આ બંનેની સાથે જ મોટરસાઈકલ પર પાછળ બેઠેલી યુવતીનું પણ મૃત્યુ થયું હતું.