Sun Sep 13 2026

Logo

જામનગરના હાપામાં એક લાખ ચોરસફૂટ જેટલી સરકારી જમીન દબાણમુક્ત

2026-05-03 18:23:48
Author: Pooja Shah
જામનગરના હાપામાં એક લાખ ચોરસફૂટ જેટલી સરકારી જમીન દબાણમુક્ત

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી, જેમાં જામનગર મહાનગરપાલિકા અને જિલ્લાની વિવિધ સંસ્થાની ચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે. હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને પરિણામો જાહેર થયાને પણ અઠવાડિયું થઈ ગયું છે ત્યારે તંત્ર ફરી કામે લાગી ગયું છે. રવિવારે જામનગર મનપાએ હાપા વિસ્તારમાં ઈસ્કોન મંદિરની બાજુમાં સરકારી જમીન પરનું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

આ મેગા ડિમોલિશનમાં લગભગ એક લાખ અને વીસ હજાર ચોરસફૂટ જેટલી સરકારી જમીન ખાલી કરવામાં આવી હતી, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. મળતી માહીતી અનુસાર ગરીબોના આવાસ માટે આ જમીન ફાળવાઈ હતી, પરંતુ અહીં અમુક લોકો અડ્ડો જમાવી બેઠા હતા અને જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો હતો. અહીં બહુ મોટા વ્યાવસાયિક એકમો ઊભા કરી દેવામાં આવ્યા હતા જેને મનપાએ બુલડોઝર ફેરવી સાફ કરી નાખ્યા હતા. 

અહીં મેગા ડિમોલિશન માટે પોલીસની ટીમ ઉપરાંત અલગ અલગ વિભાગના 100 જેટલા કર્મચારીઓ રવિવારે પણ તહેનાત રહ્યા હતા. ડિમોલેશન માટે 6 જેસીબી, હિટાચી મશીન અને 6 ટ્રેક્ટરોનો ઉપયોગ કરીને સવારના 08:00 વાગ્યાથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સાંજ સુધીમાં લગભગ રૂ. 45 કરોડની કિંમતની જમીન દબાણમુક્ત કરવામાં આવી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.