બિમલ મહેશ્વરી
મુંબઈ: મલાડના દેરાસરમાં ભારે ગરમાગરમી બાદ ગંભીર આક્ષેપોને પગલે સંસારમાં પાછા મોકલવામાં આવેલા જૈન મુનિ નમ્રવલ્લભના પિતાએ દીકરા સામેના આક્ષેપોને બોગસ ગણાવી વધુ ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો. નમ્રવલ્લભ હવે નમન નામે ઓળખાશે, પણ તેમના પિતાએ ગયા વર્ષના ડિસેમ્બરમાં ગચ્છાધિપતિને લખેલો પત્ર સામે આવ્યો છે. આ પત્રમાં નમ્રવલ્લભના ગુરુ બદલવાની વિનંતી કરાઈ હતી, જેને કારણે વિવાદ વધુ ગરમાય એવી આશંકા છે.
મુનિ નમ્રવલ્લભ સામે ગંભીર આક્ષેપો થતાં તેમને ફરી સંસારમાં મોકલવાની માગણી સાથે શ્રાવકો શનિવારે મલાડ પૂર્વમાં આવેલા દેવકરણ જગવલ્લભ પાર્શ્વનાથ સંઘમાં મોટી સંખ્યામાં ભેગા થયા હતા. લગભગ ત્રણ કલાકની ગરમાગરમી પછી નમ્રવલ્લભે પોતાનો ઓઘો ગુરુને સુપરત કર્યો હતો. તે સંસારમાં પાછા જવા રાજી થતાં મામલો શાંત પડ્યો હતો. સાંજે પિતા રાકેશ આર. શાહ (પંડિતજી) નાશિકથી મલાડ કારમાં આવ્યા હતા અને દીકરાને લઈ ગયા હતા.
આ પ્રકરણ પાછળની સત્યતા જાણવા માટે ‘મુંબઈ સમાચારે’ જૈન વિધિકાર અને નમ્રવલ્લભના પિતા રાકેશભાઈનો ફોન પર સંપર્ક સાધ્યો હતો. તેમણે ગંભીર આક્ષેપો વિશે વિગતવાર વાત કરવાની ના પાડી દીધી હતી અને મહિલા સંબંધી આક્ષેપ બોગસ હોવાનું કહ્યું હતું.
પંદર વર્ષ પહેલાં દીક્ષા લીધી હતી
રાકેશભાઈએ કહ્યું હતું કે મારા દીકરાએ પંદર વર્ષ પહેલાં દીક્ષા લીધી ત્યારે તેનું સંસારી નામ નમન હતું. પંદર વર્ષનો હતો ત્યારે તેણે દીક્ષા લીધી હતી અને તે માત્ર પાંચમું ધોરણ સુધી જ ભણ્યો છે. હવે ફરી તેનું નામકરણ નમન કરવામાં આવ્યું છે.
ગુરુદેવે સાધુજીવનમાં પાછા આવવાના આશીર્વાદ આપ્યા

નમન ફરી સંયમ માર્ગે જશે કે કેમ તે વિશે રાકેશભાઈએ જણાવ્યું હતું કે એ વિશે અમે કંઈ નક્કી કર્યું નથી, પણ ગુરુદેવ આચાર્ય જગવલ્લભ સૂરિશ્વરજીએ તેને સાધુજીવનમાં પાછા આવવાના આશીર્વાદ આપ્યા છે. અત્યારે નમન બીમાર છે અને તેની સારવાર કરાવવામાં આવશે. તેના ભવિષ્ય વિશે અત્યારે કંઈ વિચાર્યું નથી.
પત્ર પણ જાહેર કરવામાં આવ્યા
દરમિયાન ડિસેમ્બર, 2025માં ગચ્છાધિપતિ રાજેન્દ્ર સૂરિશ્વરજી મહારાજ, ઉપકારી ગુરુદેવ જગવલ્લભ સૂરિશ્વરજી મહારાજ અને આચાર્ય ભગવંત જયસુંદર સૂરિશ્વરજી મહારાજને લખાયેલો એક પત્ર જાહેરમાં આવ્યો છે, જે રાકેશભાઈએ લખ્યો હોવાનું કહેવાય છે. તે સમયે રાકેશભાઈનો દીકરો સાધુજીવનમાં હતો અને પ્રાયશ્ચિત્ત રૂપે અન્ય ગુરુ મહારાજ પાસે મોકલવામાં આવ્યો એ સંદર્ભેનો આ પત્ર છે.
પત્રમાં નોંધવામાં આવ્યું હતું કે અમારા પરિવારને લાગે છે કે અમારા દીકરા નમ્રવલ્લભની તેના ગુરુ દર્શનવલ્લભ સૂરિશ્વરજી મહારાજની નિશ્રામાં કોઈ પ્રગતિ થઈ નથી અને દીકરાને અન્ય સાધુના હાથ નીચે રાખવાનો નિર્ણય અમારા પરિવારને મંજૂર છે. અમારો પરિવાર હવે નમ્રવલ્લભને વર્તમાન ગુરુ દર્શનવલ્લભ સૂરિશ્વરજી પાસે રાખવા તૈયાર નથી.
છેલ્લે પત્રમાં જણાવાયું હતું કે સમુદાય નમ્રવલ્લભના ગુરુ બદલાવે તેવી અમારા પરિવારની નમ્ર વિનંતી છે. આ પત્ર સામે આવતાં જ નવો વિવાદ ઊભો થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે આચાર્ય દર્શનવલ્લભ સૂરિશ્વરજી સામે પણ કથિત ગંભીર આરોપો થયા હતા. આ અંગે ‘મુંબઈ સમાચારે’ આચાર્ય દર્શનવલ્લભ સૂરિશ્વરજીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કૉલ રિસીવ કરાયો નહોતો. એ સિવાય મેસેજનો પણ જવાબ આપવામાં આવ્યો નહોતો.