મહીસાગર: જિલ્લાના શાંત ગણાતા સંતરામપુર પંથકમાં પિતા-પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. નરસિંહપુર ગામમાં સામાન્ય ઘરકંકાસ અને પુત્રની જીદ સામે પિતાએ ગુમાવેલા સંયમને કારણે આખરે દીકરાએ દમ તોડ્યો છે. લગ્ન જેવી સામાજિક બાબતે થયેલી ચર્ચા ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ જતાં પિતાએ પુત્ર પર હિંસક હુમલો કર્યો હતો. આ કરુણ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારમાં માતમ છવાયો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત 16 ફેબ્રુઆરી 2026ની રાત્રે રમેશભાઈના ઘરે વિવાદની શરૂઆત થઈ હતી. મૃતક યુવાન પ્રકાશ વારંવાર પોતાના પિતાને 'તમે મારા લગ્ન કેમ નથી કરાવતા?' તેમ કહી સવાલો પૂછતો હતો. જોતજોતામાં આ વાત વણસી ગઈ અને પિતા રમેશભાઈએ આવેશમાં આવી જઈ નજીકમાં પડેલી લાકડી વડે પ્રકાશના માથાના ભાગે જોરદાર ફટકો મારી દીધો હતો. ગંભીર ઈજાને કારણે પ્રકાશ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો.
ઈજાગ્રસ્ત પ્રકાશને તાત્કાલિક સંતરામપુરની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ માથામાં ઈજા ઊંડી હોવાથી તેને વધુ સારવાર માટે ગોધરા સિવિલ અને ત્યાર બાદ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો. વડોદરામાં આઠ દિવસ સુધી ડોક્ટરની ટીમે તેને બચાવવાના અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ અંતે યુવાનને ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવાનના નિધનથી નરસિંહપુર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ મામલે મૃતક પ્રકાશના કાકા મોહનભાઈએ પોતાના જ સગા ભાઈ રમેશભાઈ વિરુદ્ધ સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પંચનામાની વિધિ પૂર્ણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સામાન્ય વાતમાં દીકરો ગુમાવનાર પિતા હવે જેલના સળિયા પાછળ ધકેલાયા છે.