Tue Apr 21 2026

Logo

વિશેષઃ શાંતિ ને કરુણાનો સંદેશ આપે છે મહાવીર જયંતી

2026-03-30 10:03:00
Author: R C Sharma
Article Image

આર.સી. શર્મા

જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મોત્સવ મહાવીર જયંતીના રૂપમાં આપણે મનાવીએ છીએ. જૈન સમુદાય માટે તો આ ખૂબ જ પવિત્ર અને અગત્યનું પર્વ છે. જે કરુણા અને શાંતિનો સંદેશ આપે છે. સાથે જ આધ્યાત્મિક જાગરણ અને આત્મશુદ્ધિનો ઉત્સવ છે. ભગવાન મહાવીરનો સૌથી અગત્યનો ‘અંહિસા પરમો ધર્મ:’ સંદેશ છે. ભગવાન મહાવીરે તમામ જીવો પ્રતિ દયા અને કરુણા રાખવાનો સંદેશ આપ્યો છે. વર્તમાનમાં જ્યારે ચારેય બાજુ હિંસા અને તણાવ છે, એવામાં તેમનો આ સંદેશ ખૂબ પ્રાસંગિક છે. 

સાથે જ તેમણે એમ પણ શીખવ્યું છે કે મનુષ્યએ પોતાની જરૂરિયાત કરતાં વધુ વસ્તુનો સંગ્રહ ન કરવો જોઈએ. ઉપરાંત સત્યને જીવનનો આધાર બનાવવો જોઈએ.

મહાવીર ભગવાને કઠોર તપ અને સંયમના માધ્યમથી જણાવ્યું કે મન અને ઈન્દ્રિયો પર સંયમ રાખવો જરૂરી છે. તેમનો આ સંદેશ સમગ્ર સમાજ અને દરેક તબક્કાના લોકો માટે અગત્યનો છે. તેમની સહિષ્ણુતા અને સહઅસ્તિત્વની અવધારણા એટલા માટે મહત્ત્વની છે કેમ કે ભારતમાં વિવિધ ધર્મના લોકો એકસાથે રહે છે. અહિંસા, સહિષ્ણુતા અને શાંતિનો તેમનો આ સંદેશ તમામ લોકોને પ્રભાવિત કરે છે. 

મહાવીર જયંતીના દિવસે શોભાયાત્રા કાઢવામાં આવે છે. ગરીબોને ભોજન અને વસ્ત્ર દાન કરવામાં આવે છે. સાથે જ લોકોને સેવા કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે. તેમણે કુદરત સાથે સંતુલન બનાવીને રાખવાની પ્રેરણા આપી છે.  આ દિવસે સાદગી, સંયમ અને નૈતિકતાનો પાઠ વર્ણવવામાં આવે છે. આ મૂલ્યો જીવન જીવવાની કળા શીખવે છે. સાથે જ જૈન સમાજ વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. દેરાસરમાં અભિષેક અને વિવિધ પૂજન કાર્યક્રમો કરવામાં આવે છે.