Tue May 05 2026

Logo

મહારાષ્ટ્રમાં 8212 હાઉસિંગ પ્રોજેક્ટ્સની નોંધણી સામે મહારેરાની લાલ આંખ

2026-05-05 14:51:00
Author: Mumbai Samachar Team
Article Image

60 દિવસનો સમય, નહીં તો પ્રોજેક્ટ્સ રદ કરાશે

મુંબઈ: રાજ્યમાં મહારેરામાં રજીસ્ટર થયેલા આવાસ પ્રોજેક્ટ્સની માહિતી દર ત્રણ મહિને ડેવલપર્સ માટે અપડેટ કરવી ફરજિયાત છે. જોકે, મોટી સંખ્યામાં ડેવલપર્સ ત્રિમાસિક પ્રગતિ અહેવાલો અપડેટ નથી કરતા. 

આ બાબતની ગંભીર નોંધ લઈ મહારેરાએ આવા 8212 આવાસ પ્રોજેક્ટ્સને કારણદર્શક નોટિસ ફટકારી છે. આ નોટિસ અનુસાર જો સંબંધિત ડેવલપર્સ 60 દિવસમાં અપેક્ષિત જવાબ નહીં આપે તો તેમની સામે મહારેરા રજીસ્ટ્રેશન રદ કરવા અથવા સ્થગિત કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે.

નિર્માણાધીન 33 હજાર પ્રોજેક્ટ્સના ડેવલપર્સ ગ્રાહકો સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી ન કરે તે માટે 'રેરા' કાયદા હેઠળ ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે. ડેવલપર્સ માટે આ જોગવાઈઓનું પાલન કરવું ફરજિયાત છે. 

આ જોગવાઈઓમાંથી એક એ છે કે 'મહારેરા'માં રજિસ્ટર થયેલા પ્રોજેક્ટ્સ અંગે દર ત્રણ મહિને પ્રોજેક્ટ વિશેની માહિતી અપડેટ કરવાની રહેશે. આમાં ઘણા પ્રકારની માહિતી શામેલ છે જેમ કે કેટલા ફ્લેટ રજીસ્ટર થયા છે, તેમાંથી કેટલા પૈસા મળ્યા છે, કેટલા ખર્ચ થયા છે, બિલ્ડિંગ પ્લાનમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં.

મહારેરા વેબસાઇટ પર ફોર્મ 1, 2 અને 3 હેઠળ સંબંધિત માહિતી અપડેટ કરવી જરૂરી છે. હાલમાં રાજ્યમાં 33 હજાર 29 પ્રોજેક્ટ્સ બાંધકામ હેઠળ છે. આ પ્રોજેક્ટ્સના ડેવલપર્સે 20 એપ્રિલ સુધીમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એમ ત્રણ મહિનાનો પ્રગતિ અહેવાલ અપડેટ કરવાનો હતો. 

આવી સ્થિતિમાં, મોટી સંખ્યામાં હાઉસિંગ પ્રોજેક્ટ્સની માહિતી અપડેટ કરવામાં આવી ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ચેરમેને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે કારણ કે રાજ્યના 33 હજાર 29 પ્રોજેક્ટ્સમાંથી 8212 પ્રોજેક્ટ્સે તેમની માહિતી અપડેટ ન કરી હોવાથી મહારેરાએ તાત્કાલિક આ પ્રોજેક્ટ્સને કારણદર્શક નોટિસ ફટકારી છે.

આ નોટિસ અનુસાર જો આવા પ્રોજેક્ટ્સ 60 દિવસની અંદર આ નોટિસનો જવાબ નહીં આપે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. 50,000 રૂપિયાનો દંડ અથવા નોંધણી રદ અથવા સસ્પેન્ડ પણ થઈ શકે છે.