Tue Jun 23 2026

Logo

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં મહાયુતિનો સપાટો

2026-06-22 17:31:44
Author: Vipul Vaidya
Article Image

ભાજપે 11 માંથી 11, શિવસેનાએ 4 માંથી 3, એનસીપીએ 2 માંથી 2 બેઠકો જીતી: એક અપક્ષ: મહાવિકાસ આઘાડી શૂન્ય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા મતદારસંઘની વિધાન પરિષદની ચૂંટણીમાં મહાયુતિનો દબદબો જોવા મળ્યો હતો જ્યારે મહાવિકાસ આઘાડી શૂન્ય બેઠક પર સમેટાઈ ગઈ અને કારમો પરાજય સહન કરવો પડ્યો હતો. અપક્ષ અને ભાજપના બળવાખોરે એક બેઠક જીતી છે. ભાજપ 11, શિવસેના 3, એનસીપી 2 બેઠકો પર જીત મેળવી છે. વિધાન પરિષદની 17 બેઠકો માટેની ચૂંટણી 18 જૂને યોજાઈ હતી. જોકે, આ ચૂંટણી પહેલા પણ મહાયુતિના ઉમેદવારો 17માંથી 6 બેઠકો પર બિનહરીફ જીતી ગયા હતા. તેથી, બાકીની 11 બેઠકોના જ પરિણામો સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા. 

17 બેઠકો માટે મહાયુતિનો ફોર્મ્યુલા ભાજપ 11, શિવસેના 4 અને એનસીપી 2 હતો. તે મુજબ, ભાજપ 11 બેઠકો પર, શિવસેના 4 બેઠકો પર અને એનસીપી 2 બેઠકો પર ચૂંટણી લડી હતી. ભાજપે 11 બેઠકોમાંથી 11 બેઠકો જીતી લીધી હતી. એનસીપીએ પણ બેમાંથી બે બેઠકો જીતી લીધી હતી. જ્યારે શિવસેનાએ ચારમાંથી ત્રણ બેઠકો જીતી હતી. 

મહારાષ્ટ્ર વિધાન પરિષદ - 17 બેઠકોના પરિણામો

નાશિકમાં આશ્ર્ચર્યજનક પરિણામો

વિધાન પરિષદની 17 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં, સૌથી વધુ ચર્ચા નાશિક મતવિસ્તારની રહી. નાસિકમાં, અપક્ષ ઉમેદવાર ગોકુલ ગીતેએ શિવસેનાના નરેન્દ્ર દરાડેને હરાવ્યા, જે મહાયુતિના સત્તાવાર ઉમેદવાર હતા. નાશિક બેઠક મહાયુતિમાં શિવસેનાને ગઈ ત્યાં નરેન્દ્ર દરાડેને નોમિનેશન મળ્યું હતું. જોકે, ત્યાં, ગિરીશ મહાજન સમર્થક અને ભાજપના નેતા ગણેશ ગીતેએ તેમના ભાઈ ગોકુલ ગીતે સાથે મળીને અરજી દાખલ કરીને બળવો કર્યો હતો. જેમાં ગણેશ ગીતેએ સમયમર્યાદા પહેલા અરજી પાછી ખેંચી લીધી. જોકે, તેમના ભાઈ ગોકુલ ગીતેએ સમયમર્યાદા પૂરી થયા પછી પણ અરજી પાછી ખેંચી ન હતી. ગિરીશ મહાજન અને ઉદય સામંત ગોકુલ ગીતેને મનાવવા માટે નાશિકમાં જ રહ્યા હતા. એક ડઝનથી વધુ રાઉન્ડની ચર્ચાઓ પછી, ગોકુલ ગીતેએ જાહેરાત કરી કે તેઓ ચૂંટણીના થોડા દિવસો પહેલા પોતાનો પ્રચાર બંધ કરી રહ્યા છે, પરંતુ તેમણે પોતાની અરજી પાછી ખેંચી ન હોવાથી, તેમનું નામ બેલેટ પેપર પર રહ્યું હતું. તેમણે પોતાની ગુપ્ત રણનીતિ ચાલુ રાખી અને આ ચૂંટણી જીતી લીધી હતી. 

નાસિક વિધાન પરિષદ માટે કુલ 618 મતદારોએ મતદાન કર્યું હતું. ગણતરી દરમિયાન, આમાંથી 13 મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. તેથી, કુલ 605 મત માન્ય હતા. આ માન્ય મતોના આધારે, વિજય માટે 303 મતોનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો હતો. આ ગણતરીમાં, અપક્ષ ઉમેદવાર ગોકુલ ગીતેએ 357 મત મેળવીને સરળતાથી વિજયનો આંકડો પાર કર્યો. જ્યારે મહાયુતિના નરેન્દ્ર દરાડે માત્ર 248 મત મેળવી શક્યા. બીજી તરફ, ચૂંટણી મેદાનમાં રહેલા અન્ય ઉમેદવાર પ્રસાદ હિરેને શૂન્ય મત મળ્યા. ગોકુલ ગીતેએ પહેલા રાઉન્ડમાં જ 303નો ક્વોટા પાર કર્યો, જેનાથી તેમનો વિજય સુનિશ્ર્ચિત થયો.

શિવસેના એમએલસી મનીષા કાયન્દેએ પરિણામ અંગે વાંધો વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘પરિણામ અંગે ગંભીર શંકા છે કારણ કે અમને ખાતરી આપવામાં આવી હતી કે અમારા ઉમેદવારને ટેકો આપવામાં આવશે.’
મોટાભાગના સ્થાનિક પ્રતિનિધિઓએ ગીતેની તરફેણમાં મતદાન કર્યું હોવાનું સ્પષ્ટ થયા પછી દેખીતી રીતે નારાજ દરાડે ગણતરી કેન્દ્ર છોડી ગયા.

ગિતે સ્થળ પર પહોંચ્યા અને દરાડેના ભાઈ અને નાસિક શિક્ષક મતવિસ્તારના વર્તમાન એમએલસી કિશોર દરાડેની હાજરી સામે સખત વાંધો ઉઠાવ્યો ત્યારે ગણતરી કેન્દ્ર પર થોડો તણાવ સર્જાયો હતો. તેના કારણે ઉમેદવારો અને તેમના સમર્થકો વચ્ચે થોડો તણાવ સર્જાયો હતો.

ગીતેએ દારાડે સામે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી ત્યારથી નાસિક મતવિસ્તારમાં વિવાદ જોવા મળ્યો હતો. તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે દરાડેએ તેમના પિતા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.

નાંદેડ, ઔરંગાબાદમાં ભાજપનો વિજય

નાંદેડ, ઔરંગાબાદ-જાલના અને ઉસ્માનાબાદ-લાતુર-બીડ બેઠકો પર, ભાજપના ઉમેદવારોએ જીત મેળવી હતી. નાંદેડમાં, ભાજપના ઉમેદવાર અમરનાથ રાજુરકરે શિવસેના (યુબીટી)ના ઉમેદવાર કૃષ્ણા પાટિલ આષ્ટિકરને 255 મતોના માર્જિનથી હરાવીને તેમનો મતવિસ્તાર જાળવી રાખ્યો હતો.

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રાજુરકરે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાજ્યસભા સાંસદ અશોક ચવ્હાણ સાથે મળીને આ મતવિસ્તારમાંથી સતત ત્રીજી વખત જીત મેળવી હતી. તેમને 339 મત મળ્યા હતા, જ્યારે કૃષ્ણા પાટિલ આષ્ટિકરને 84 મત મળ્યા હતા. વંચિત બહુજન અઘાડીના ઉમેદવાર પ્રશાંત ઇંગોલેને પાંચ મત મળ્યા હતા.

કૃષ્ણા પાટિલ આષ્ટિકર બળવાખોર શિવસેના (યુબીટી)ના સાંસદ નાગેશ પાટિલ આષ્ટિકરના પુત્ર છે, જેમણે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાવાની જાહેરાત કરી છે. અગાઉ દિવસે, સેના (યુબીટી)એ જાહેરાત કરી હતી કે કૃષ્ણા આષ્ટિકરને ‘પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ’ માટે દૂર કરવામાં આવ્યા છે.

ઔરંગાબાદ-કમ-જાલના સ્થાનિક સત્તાવાળાઓના મતવિસ્તારમાં, ભાજપના ઉમેદવાર સુહાસ શિરસાટે 455 પ્રથમ પસંદગીના મતો મેળવ્યા હતા. તેમના સેના (યુબીટી)ના હરીફ ગણેશ કૌતિકરાવ લોખંડેને 135 મત મળ્યા હતા, જ્યારે અન્ય ઉમેદવાર ઇશાક ખાન સંદુ ખાનને 35 મત મળ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. સીટ માટેની ચૂંટણીમાં કુલ 625 મત પડ્યા હતા, અને પાંચ મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા.

ઉસ્માનાબાદ-લાતુર-બીડ સ્થાનિક સત્તાવાળાઓના મતવિસ્તારમાં, ભાજપના ઉમેદવાર બસવરાજ પાટીલ 844 મતો મેળવીને જીત્યા, જ્યારે તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર મહેશ દેશમુખને 125 મતો મળ્યા હતા.
કુલ 983 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને 14 મતો અમાન્ય જાહેર કરવામાં આવ્યા.

અગાઉ, વર્ધા-ચંદ્રપુર-ગઢચિરોલીથી ભાજપના અરુણ લાખાણી અને અહિલ્યાનગરથી પ્રાજક્ત તનપુરે, પુણેથી એનસીપીના ઉમેદવાર વિક્રમ કાકડે અને રાયગઢ-રત્નાગિરી-સિંધુદુર્ગથી અનિકેત તટકરે, અને થાણેથી શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર ફાટક અને યવતમાળથી દુષ્યંત ચતુર્વેદી બિનહરીફ ચૂંટાયા હતા.

તનપુરે ઉમેદવારી નોંધાવવાના થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા. એનસીપી (એસપી) નેતા જયંત પાટીલના ભત્રીજા, અહિલ્યાનગરના નેતા, અગાઉ મહા વિકાસ આઘાડી (એમવીએ)ની સરકારમાં પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે.

વિપક્ષ એમવીએએ આરોપ લગાવ્યો હતો કે શાસક ગઠબંધન દ્વારા હરીફ ઉમેદવારોને પાછા ખેંચવા માટે પૈસા અને શક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.