Wed Sep 02 2026

Logo

મહારાષ્ટ્રમાં UCC લાગુ કરવા મહાયુતિ સરકાર મક્કમ: સમિતિ ડ્રાફ્ટ તૈયાર કરવામાં વ્યસ્ત

2026-06-23 20:12:53
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રમાં UCC લાગુ કરવા મહાયુતિ સરકાર મક્કમ: સમિતિ ડ્રાફ્ટ તૈયાર કરવામાં વ્યસ્ત

મુંબઈ: મહારાષ્ટ્રમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) લાગુ કરવા અંગે મહાયુતિ સરકાર 100 ટકા મક્કમ છે અને નિવૃત્ત હાઈ કોર્ટના ન્યાયમૂર્તિની આગેવાની હેઠળની સમિતિ ડ્રાફ્ટ તૈયાર કરવા પર કામ કરી રહી છે એમ રાજ્ય પ્રધાન યોગેશ કદમે વિધાનસભામાં જણાવ્યું હતું.

ભારતીય જનતા પક્ષ (ભાજપ)નાં વિધાનસભ્ય દેવયાની ફરાંદે દ્વારા મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકનો સામનો કરવો પડી રહ્યો છે તેવા કેસો અંગે ઉઠાવવામાં આવેલા ધ્યાન આકર્ષણ પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા હતા. છેલ્લા દોઢ મહિનામાં ત્રણ મુસ્લિમ મહિલાએ મદદ માટે તેમનો સંપર્ક કર્યો હોવાનો દાવો દેવયાની ફરાંદેએ કર્યો હતો.

વિધાનસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે 'પોલીસે આરોપીઓ સામે કેસ નોંધ્યા છે, પરંતુ મહિલાઓને સંપૂર્ણ ન્યાય મળ્યો નથી. એક મહિલાને અશ્લીલ વીડિયો ફેલાવવાની ધમકી આપવામાં આવી હતી, જ્યારે બીજી મહિલાના પતિએ તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.'

ગૃહ રાજ્ય પ્રધાન કદમે જણાવ્યું હતું કે મહાયુતિ સરકાર યુસીસી ખરડો લાગુ કરીને જ રહેશે. સમાન નાગરિક સંહિતા ખરડાનો મુસદ્દો તૈયાર કરવા માટે નિવૃત્ત હાઇ કોર્ટના ન્યાયમૂર્તિના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ તેના પર કામ કરી રહી છે. ઉત્તરાખંડમાં પસાર થયેલા સમાન નાગરિક સંહિતા કાયદામાં બહુપત્નીત્વ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે અને સાત વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.'