(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે નાશિક-ત્ર્યંબકેશ્વર કુંભ મેળા-2027 માટે સાધુ ગ્રામ પ્રોજેક્ટ માટે અનામત રાખેલી 191.21 એકર જમીનના સંપાદન માટે રૂ. 2,267 કરોડને મંજૂરી આપી. સરકારે એવી ચેતવણી આપી હતી કે કુંભમેળા પ્રોજેક્ટ સાથે જોડાયેલા ભંડોળને અન્ય કોઈપણ હેતુ માટે વાળવું એને ગંભીર નાણાકીય અનિયમિતતા માનવામાં આવશે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
નગર વિકાસ વિભાગે એક સરકારી ઠરાવ (જીઆર) જારી કરીને નાશિક-ત્ર્યંબકેશ્વર કુંભ મેળા ઓથોરિટીને અસ્થાયી ટાઉનશીપ (સાધુ ગ્રામ) માટે પાલિકાની હદમાં અનામત રાખેલી જમીન સંપાદન માટે રૂ. 2,267 કરોડને મંજૂરી આપી હતી, જેમાં કુંભમેળા દરમિયાન સંતો અને ધાર્મિક અખાડા રહેશે.
જીઆરમાં જણાવાયું છે કે મંજૂર રકમમાં 191.21 એકર જમીન સંપાદન માટે વળતર અને સંપાદન પ્રક્રિયા સાથે જોડાયેલા વહીવટી ખર્ચ માટે રૂ. 3 કરોડનો સમાવેશ થાય છે. સરકારના જણાવ્યા મુજબ, નાશિક વિકાસ યોજના-2017માં સાધુ ગ્રામ અને સંલગ્ન ઉપયોગો માટે લગભગ 377 એકર અનામત રાખવામાં આવી હતી. આમાંથી, લગભગ 94 એકર જમીન પહેલાથી જ સંપાદિત કરવામાં આવી છે, જ્યારે બાકીની જમીન 2027 કુંભ મેળા પહેલા સંપાદન કરવાની જરૂર છે.
ઠરાવમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે જમીન માલિકોને ચૂકવવાપાત્ર વળતર આરટીજીએસ (રીઅલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ, એક ઇલેક્ટ્રોનિક ચુકવણી સિસ્ટમ) દ્વારા તાત્કાલિક ચુકવવામાં આવે અને ટ્રાન્સફર કરવામાં આવે. તેમાં નાસિક જિલ્લા કલેક્ટર અને શહેરના મ્યુનિસિપલ કમિશનર પર સંયુક્ત જવાબદારી નક્કી કરવામાં આવી હતી કે તેઓ સમયસર સંપાદન અને જમીનનો કબજો સુનિશ્ચિત કરે જેથી પ્રોજેક્ટમાં વિલંબ ન થાય.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે મંજૂરી એક વખતની ભંડોળ વ્યવસ્થા છે અને મંજૂર રકમથી વધુ પ્રોજેક્ટ ખર્ચમાં કોઈપણ વધારો સંપૂર્ણપણે નાશિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભોગવવાનો રહેશે.
રાજ્ય સરકાર દ્વારા મંજૂર રકમથી વધુ કોઈ વધારાની ગ્રાન્ટ આપવામાં આવશે નહીં, એમ જીઆરમાં ભારપુર્વક જણાવવામાં આવ્યું છે.