મુંબઈ: મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં એફડીએ એક્શનમાં આવીને ગેરરીતિ કરનારા સામે આક્રમક પગલાં ભરી રહ્યા છે, ત્યારે મુંબઈ સ્થિત મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA)ની લેબોરેટરીના કર્મચારીઓએ તાજેતરમાં બદલાયેલા કામના કલાકો અને સ્ટાફની ભારે અછત સામે સરકારને લેખિતમાં ફરિયાદ કરી છે.
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ની લેબોરેટરીના કેટલાક કર્મચારીઓએ રાજ્યના પ્રધાન નરહરિ ઝિરવાલને ફરિયાદ કરી છે કે તેમના કામના કલાકો અને શિફ્ટ ડ્યુટીમાં તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારોને કારણે તેમને મુશ્કેલી પડી રહી છે અને શારીરિક શ્રમ પડી રહ્યો છે અને માનસિક શાંતિ પણ અમુક અંશે હણાઈ ગઈ છે. ફરિયાદ પત્રમાં અપૂરતા સ્ટાફનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે.
આઈએએસ અધિકારી તુકારામ મુંઢેએ આ વર્ષે મેના છેલ્લા અઠવાડિયામાં એફડીએ કમિશનરનો હોદ્દો સંભાળ્યો હતો. તેમની નિમણૂક પછી, ફૂડ રેગ્યુલેટરી ઓથોરિટીએ ખાદ્ય ભેળસેળ, પ્રતિબંધિત વસ્તુઓ અને ખાણીપીણીની દુકાનો અને અન્ય ખાદ્ય સંસ્થાઓમાં સ્વચ્છતાના ઉલ્લંઘનને લક્ષ્ય બનાવીને આક્રમક, રાજ્યવ્યાપી અમલીકરણ અભિયાન શરૂ કર્યું છે.
એફડીએ પ્રધાન ઝિરવાલને સંબોધીને 27 અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા હસ્તાક્ષર કરાયેલા ફરિયાદ પત્રમાં કર્મચારીઓએ સરકારને પ્રયોગશાળાઓમાં શરૂ કરવામાં આવેલી ટુ-શિફ્ટ સિસ્ટમ પાછી ખેંચવા, સરકારના ઠરાવ હેઠળ નિર્ધારિત અગાઉના ઓફિસ ટાઇમિંગને ફરી શરુ કરવા અને શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓ ફરીથી ચાલુ કરવા વિનંતી કરી હતી.
કામકાજના કલાકો વધારવાને બદલે નમૂના વિશ્લેષણના બાકી રહેલા કામને ઘટાડવા માટે સ્ટાફ વધારવાની પણ માંગ કરી હતી. કર્મચારીઓએ જણાવ્યું હતું કે લેબોરેટરીનો સ્ટાફ કમિશનરની સૂચના પર છેલ્લા એક મહિનાથી સવારે 7 થી બપોરે 3 વાગ્યા સુધી અને બપોરના બારથી રાત્રે 8 વાગ્યા સુધી બે શિફ્ટમાં કામ કરી રહ્યો છે.
તેઓએ દાવો કર્યો હતો કે તેમને શનિવારે ઓફિસમાં હાજર રહેવા અને પૂર્વ પરવાનગી વિના રજા લેવાનું ટાળવા પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ સંદર્ભે પ્રતિક્રિયા જાણવા માટે કરેલા ફોન કોલ અને સંદેશાઓનો જવાબ મુંઢેએ આપ્યો ન હતો.