Mon Apr 20 2026

Logo

અલ નિનોના સંકટ પર મુખ્ય પ્રધાનનો ‘એક્શન પ્લાન’!

2026-04-20 18:53:15
Author: વિપુલ વૈદ્ય
Article Image

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જળ સંરક્ષણ અને પાણીના આયોજન માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સૂચનાઓ આપી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: સંભવિત અલ નિનોની પૃષ્ઠભૂમિમાં, તૈયારી, અસરકારક અમલ અને સંકલન દ્વારા આ આપત્તિને ઓછી કરવી જોઈએ. આ માટે તમામ વિભાગોએ તાત્કાલિક પગલાં અમલમાં મૂકવા જોઈએ, એવી તાકીદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કરી હતી. 
ફડણવીસે યોગ્ય પાણી આયોજન, જળ સંરક્ષણ કાર્યો ઝડપી બનાવવા અને જૂના પાણીના સ્ત્રોતોનું સમારકામ અને પુનજીર્વિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્દેશ આપ્યો. સંભવિત અલ નિનોની પૃષ્ઠભૂમિમાં રાજ્યમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ફડણવીસની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે અલ નિનોની મહત્તમ અસર ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અનુભવાય તેવી શક્યતા છે અને ચોમાસા દરમિયાન સરેરાશ કરતા ઓછો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.મે મહિનામાં ગરમીની તીવ્રતા પ્રમાણમાં ઓછી રહેશે, પરંતુ ગરમીના મોજા વધુ સંખ્યામાં આવવાની શક્યતા છે. દરમિયાન, એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો પોઝિટિવ આઈઓડી તૈયાર થશેે, તો અલ નિનોની અસરોની તીવ્રતા અમુક અંશે ઓછી થઈ શકે છે.તેમણે કહ્યું કે 2015માં ચોમાસાના અંત પછી રાજ્યનો પાણીનો સંગ્રહ માત્ર 45 ટકા હતો, પરંતુ હાલમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ તેટલો સંગ્રહ ઉપલબ્ધ છે. તેથી, યોગ્ય આયોજન સાથે, રાજ્ય સરકાર આ પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકે છે.

2015માં અલ નિનોના અનુભવના આધારે, લેવામાં આવેલા પગલાંને કારણે 2018માં પાક બચાવી શકાયા હતા. અલ નિનો સમયગાળા દરમિયાન અનિયમિત વરસાદની મોટી અસર જોવા મળી હતી, ખાસ કરીને મરાઠવાડામાં.જો બે વરસાદ વચ્ચે લાંબું અંતર હોય, તો પાક પર ભાર આવે છે, પરંતુ સુરક્ષિત સિંચાઈ દ્વારા પાકનું નુકસાન ઘટાડી શકાય છે. તેથી, પાણી સંરક્ષણ અને પાણી સંગ્રહ ક્ષમતા વધારવી જરૂરી છે, એમ તેમણે કહ્યું હતું. જો રાજ્યમાં વરસાદ 90 ટકાથી ઓછો રહે છે, તો પીવાના પાણી સહિત ખેતી પર મોટી અસર પડે છે. આવી સ્થિતિમાં, નુકસાન ઘટાડવા માટે તૈયારીઓ કરવી જોઈએ. તેમણે મનરેગા યોજના હેઠળ જળસંગ્રહના કામોને પ્રાથમિકતા આપીને ઉપલબ્ધ ભંડોળનો અસરકારક રીતે ઉપયોગ કરવા પણ નિર્દેશ આપ્યો હતો. 

જલયુક્ત શિવાર યોજનાઓનું કામ તાત્કાલિક પૂર્ણ કરો
ફડણવીસે જળયુક્ત શિવાર અને ગાળમુક્ત ડેમ- ગાળમુક્ત શિવાર યોજનાઓનું કામ તાત્કાલિક પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો. નાણાં વિભાગે આ કામો માટે તાત્કાલિક ભંડોળ પૂરું પાડવું જોઈએ અને જૂના જળસ્ત્રોતોના સમારકામ અને પુનજીર્વિત કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ, એમ પણ તેમણે કહ્યું હતું. આનાથી ઓછા ખર્ચે વધુ પાણી ઉપલબ્ધ થશે એમ જણાવતાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે સિંચાઈ સુવિધાઓ પૂરી પાડતા આ સાધનો ઓછા વરસાદની સ્થિતિમાં પણ અસરકારક રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે મનરેગા (જીરામજી) યોજના હેઠળ થઈ રહેલા જળયુક્ત શિવાર કાર્યો યોગ્ય રીતે થયા છે કે નહીં તેનું નિરીક્ષણ કરવા અને જી રામ જી હેઠળ મહત્તમ કામ કરાવવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવાની ભલામણ કરી હતી.