Tue Jun 16 2026

Logo

કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણયો: જ્ઞાતિ પ્રમાણપત્ર માટે 6 મહિનાની મુદ્દત વધી, નવી પાણી નીતિ જાહેર

2026-06-16 19:42:02
Author: mumbai samachar team
Article Image

મુંબઈ: રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં અનામત બેઠકો પર ચૂંટાયેલા ઉમેદવારોને તેમનું જ્ઞાતિ પ્રમાણપત્ર સબમિટ કરવા માટે છ મહિનાની અંતિમ મુદત લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેની સાથે જ નાગપુરના મહત્વાકાંક્ષી તબીબી પ્રોજેક્ટથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પાણીની અછત નિવારવા માટેની નવી નીતિઓ સુધીના અનેક મોટા નિર્ણયો મંગળવારે લેવામાં આવ્યા. 

આ બેઠકમાં રાજ્યના વિકાસની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ અને દૂરગામી અસરો ધરાવતા વિવિધ વિભાગોના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુખ્યત્વે ગ્રામીણ માળખાગત સુવિધાઓના વિકાસ, આરોગ્ય સુવિધાઓમાં અત્યાધુનિક ટેકનોલોજીનો સમાવેશ અને ડિજિટલ કનેક્ટિવિટી વધારવા પર કેન્દ્રિત છે. 

પ્રધાનમંડળની બેઠકમાં તબીબી સારવારમાં વધુ ચોકસાઈ લાવવા માટે કેબિનેટે નાગપુર ખાતે હાઇ એનર્જી મેડિકલ સાઇક્લોટ્રોન પ્રોજેક્ટ સ્થાપવાને મંજૂરી આપી. આ મધ્ય ભારતમાં એકમાત્ર અને સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હશે. આ સિસ્ટમ વિવિધ ગંભીર રોગો અને બિમારીઓનું સમયસર અને સચોટ નિદાન કરી શકશે. 

આ ઉપરાંત રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની અછતને દૂર કરવા માટે અસરકારક અને કાયમી પગલાં લેવા માટે નવી નીતિની જાહેરાત કરવામાં આવી. આ અંતર્ગત, ગ્રામીણ પીવાના પાણીની યોજનાઓના ટકાઉ વિકાસ પર ભાર મૂકવામાં આવશે. વિવિધ પાણી યોજનાઓને એકીકૃત કરીને, ગ્રામીણ વસ્તીને સ્વચ્છ, જંતુરહિત અને ગુણવત્તાયુક્ત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે લાંબા ગાળાનું આયોજન કરવામાં આવશે. 

વધુમાં ટેકનોલોજી ક્ષેત્રને મોટો વેગ આપવા 'મહારાષ્ટ્ર સ્વયંસંચાલિત પ્રણાલી નીતિ-૨૦૨૬' જાહેર કરવામાં આવી. આ નીતિ અંતર્ગત હવાઈ, દરિયાઈ તેમજ જમીન પરના કૃષિ અને અન્ય ક્ષેત્રોના મુશ્કેલ તેમજ જોખમી કાર્યો માટે ડ્રોન અને વિવિધ રોબોટ્સનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યમાં 'અમેન્ડેડ ભારત નેટ કાર્યક્રમ' વધુ અસરકારક રીતે રાષ્ટ્રીય સ્તરે અમલમાં મૂકવા માટે સુધારેલી પદ્ધતિને મંજૂરી આપવામાં આવી. 

આ કાર્યક્રમને ઝડપથી પૂર્ણ કરવા માટે મહાનેટ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ નામે એક વિશેષ હેતુ વાહક સિસ્ટમ સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યમાં 'વિકસિત ભારત - જી રામ જી યોજના'નો અસરકારક અમલ થાય તે માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું. 

કેન્દ્ર સરકારના વિકસિત ભારત - જી રામ જી કાયદા, ૨૦૨૫ને સુસંગત હોય તેવી જરૂરી જોગવાઈઓ 'મહારાષ્ટ્ર રોજગાર ગેરંટી અધિનિયમ, ૧૯૭૭' માં કરવામાં આવશે અને આ માટે વટહુકમ બહાર પાડવા મંજૂરી આપવામાં આવી. 

અંતે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં અનામત બેઠકો પર ચૂંટાયેલા ઉમેદવારોને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો. આવા ઉમેદવારોને તેમનું જ્ઞાતિ પ્રમાણપત્ર સબમિટ કરવા માટે છ મહિનાની અંતિમ મુદત લંબાવી આપવામાં આવી છે. આ માટે મુંબઈ મહાનગરપાલિકા અધિનિયમ, મહારાષ્ટ્ર નગરપાલિકા અધિનિયમ અને નગરપરિષદ અધિનિયમમાં જરૂરી સુધારાઓને મંજૂરી આપવામાં આવી.