Fri Apr 17 2026

Logo

પાસ-નાપાસનું વિષચક્ર...

2026-04-12 11:43:00
Author: Jui Parth
Article Image

જૂઈ પાર્થ

આખી સોસાયટી શિરીષકાકાનાં ઘરે ભેગી થઈ હતી. ફળિયામાં લોકો જાતજાતનાં અનુમાન લગાવી રહ્યા હતાં. એક ઓરડામાં બબલુને બાટલો ચડાવ્યો હતો. કોઈએ કહ્યું કે બબલુ પર કોઈએ જાદુટોણા કર્યા છે, તો કોઈએ કહ્યું કે બાપડાને  કોઈ સાથે ઝઘડો થયો હતો. વળી કોઈએ ઉમેર્યું કે એની કોઈ ફ્રેન્ડે દગો કર્યો.... સૌ હકીકતથી વિમુખ  અનુમાન લગાવી રહ્યા હતા. 

વાત એમ હતી કે બબલુ બારમાં ધોરણમાં હતો. આખું વર્ષ ખૂબ મહેનત કરી હતી. આજે બારમાનું પરિણામ જાહેર થયું. બબલુ બે માર્ક માટે નાપાસ થયો. ઘરમાં હોબાળો મચી ગયો. શિરીષકાકાએ એને બહુ ફટકાર્યો  ઉપરથી ના બોલવાનું ઘણું બોલ્યા. મા બિચારી શું બોલે? 

શિરીષભાઈ શાંત થાય અને બાપ- દીકરા વચ્ચે સુલેહ રહે એનાં પ્રયત્નો કરી રહી હતી. એટલામાં મા- બાપની નજર ચૂકવીને બબલુએ ઊંઘની ગોળીઓ ખાઈ લીધી ને બેહોશ થઈ ગયો. તાબડતોબ ડૉક્ટરને બોલાવ્યા ત્યારે પરિસ્થિતિ કાબૂમાં આવી. શિરીષભાઈનો ગુસ્સો શમ્યો અને બબલુની સારવારમાં ધ્યાન પરોવ્યું. શિરીષભાઈને પોતાનાં વર્તન માટે ખૂબ પસ્તાવો થયો.

થોડા સમય પહેલાં શિરીષભાઈની જ સોસાયટીમાં રહેતાં મહેશભાઈ સાથે પણ એક દુ:ખદ બનાવ બન્યો હતો.

મહેશભાઈનો સોના ચાંદીનો બિઝનેસ. એકવાર માર્કેટનાં ચડાવ ઉતારમાં એમની બધી ગણતરીઓ ઊંધી પડી અને મહેશભાઈને ઓછામાં ઓછું પાંચ કરોડ રૂપિયાનું નુકસાન થયું. એક ખોટા નિર્ણયનાં કારણે એમના ચાલતા ધંધામાં એટલી તો મોટી ખોટ આવી હતી કે એમણે ઘરબાર વેચીને ભાડાનાં મકાનમાં રહેવા જવું પડ્યું હતું.   

એવામાં રીવાએ પોતાનાં નાનપણનાં મિત્ર સાથે લગ્ન કર્યાં. બંને એકબીજાને બહુ સારી રીતે ઓળખતા હતા. લગ્નનાં છ મહિનામાં રીવાને લાગ્યું કે એનો પતિ એનાથી કંઈક છુપાવી રહ્યો છે. રીવાએ પતિની જાણ બહાર એનો ફોન તપાસ્યો તો જાણવા મળ્યું કે એનો પતિ સટ્ટાબાજ છે અને પર સ્ત્રી સાથે એના સંબંધ પણ છે. રીવાએ પતિ સાથે વાત કરી પોતાનાં લગ્ન બચાવવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો અને છેવટે લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા લીધા. આમ, બબલુ પરીક્ષામાં, મહેશભાઈ ધંધામાં અને રીવા સંબંધોમાં નાપાસ થયાં.

નાપાસ થવું, નિષ્ફળ જવું માટે સહજપણે અંગ્રેજીમાં વપરાતો શબ્દ છે ફેલ થવું કહેવાય છે કે કોઈવાર નિષ્ફળ જઈએ તો ચાલે. માટે એનો બહુ હરખ શોક નઈ કરવો. એકવાર નાપાસ થઈએ તો બીજીવાર યોગ્ય દિશામાં વધુ મહેનત કરી પાસ થઈ શકાય.  ( ‘જિંદગી રિ-સ્ટાર્ટ  કરી શકા...’ પેલી સુપર હીટ ફિલ્મ  : ‘12વિં ફેલ’  યાદ છે ? )

જો કે દરેક કાર્યમાં સફળતા મળે એવો નિયમ પણ નથી અને એ શક્ય પણ નથી. જીવનમાં સફળતા મેળવવા નિષ્ફળતાનાં પગથિયાં ચડવા જરૂરી છે, જેથી સફળતાની કિંમત થાય, નિષ્ફળતામાંથી શીખી શકાય- અનુભવમાં ઉમેરો થાય. એટલું જ નહીં, નિષ્ફળતા વ્યક્તિને વધુ મહેનત કરવાની સતત પ્રેરણા આપે છે અને સફળ થવાનાં ધ્યેય સુધી પહોંચવા ટકાવી રાખે છે.

આમેય જીવન આપણા આયોજન મુજબ ચાલે એ જરૂરી નથી. નિષ્ફળતા ગુણપત્રક, કારકિર્દી કે વ્યવસાય સુધી સીમિત નથી. જિંદગી દરેક પગલે નવી પરીક્ષા લે છે જેમાં આપણે ક્યારેક પાસ થઈએ છીએ તો ક્યારેક નાપાસ. કોઈવાર લાગે છે કે જે પાસ થાય એ આગળ આવે છે પરંતુ જે ના-પાસ થાય છે એ વધુ આગળ આવે છે. પાસ થવાનો નિયમ એ છે કે જીવનમાં નાપાસ થવાય પણ નાસિપાસ ન થવાય. પ્રશ્ન ત્યારે થાય જ્યારે સિત્તેર વર્ષે પહોંચેલા માણસને થાય કે મેં મારા જીવનમાં કર્યું શું? હું પાસ થયો કે નાપાસ? પ્રશ્ન ત્યારે પણ થાય જ્યારે ચારેકોરથી વરસતી સફળતાઓની વચ્ચે પણ આપણે માણસ તરીકે નાપાસ થઈએ. 

પાસ-નાપાસ વિશે બોલો, તમે શું કહો છો?