Fri Sep 04 2026

Logo

રાજકોટ: "અમારામાં વહુઓને બાળવાનો રિવાજ છે", સસરાની ધમકી અને અંધશ્રદ્ધાના ત્રાસની પરણિતાની ફરિયાદ...

2026-02-20 19:17:00
Author: Devayat Khatana
રાજકોટ: "અમારામાં વહુઓને બાળવાનો રિવાજ છે", સસરાની ધમકી અને અંધશ્રદ્ધાના ત્રાસની પરણિતાની ફરિયાદ...

(અમારી પ્રતિનિધિ તરફથી)
રાજકોટ
: શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતી  ૨૮ વર્ષીય મહિલાએ તેના પતિ કૃતાર્થ, સસરા, સાસુ અને નણંદ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પીડિતાના લગ્ન જૂન ૨૦૨૩માં થયા હતા, પરંતુ આક્ષેપ છે કે લગ્નના માત્ર ૧૦ દિવસ બાદ જ સાસરિયાઓએ ઘરકામ અને કરિયાવર બાબતે મેણા-ટોણા મારી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું.

ફરિયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ, ફરિયાદીના સસરા ઘરમાં 'અગરબત્તીની ભભૂતી' ખવડાવતા અને અંધશ્રદ્ધા ફેલાવી દબાણ કરતા હતા. વધુમાં, સસરા વહુ પર ખરાબ નજર રાખતા હોવાનો અને "વહુઓને બાળી નાખવાનો અમારો રિવાજ છે" તેવી ધમકી આપતા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો  હતો. પતિ પણ નાની વાતોમાં ઉશ્કેરાઈ જઈ પોતાની જાતે દિવાલ પર માથું પછાડતો અને કાતર કે બ્લેડ બતાવી પત્નીને ડરાવી ગાળાગાળી કરતો હતો.

યુવતીના જણાવ્યા મુજબ, લગ્નના ત્રણ મહિના બાદ જ્યારે તેના માતાનું એક્સિડન્ટ થયું ત્યારે તે પિયર ગઈ હતી, ત્યારપછી સાસરિયાઓએ તેને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો અને તેનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો. છેલ્લા બે વર્ષથી પિતાના ઘરે રહેતી પીડિતાએ અંતે ન્યાય માટે પોલીસના દ્વાર ખટખટાવ્યા હતા. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 85, 352 અને 3(5) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.