પ્રજ્ઞા વશી
એકવાર અમને કૂતરું કરડેલું. (એટલે એક જ વાર હોય ને ભલા!) જો કે આ કંઈ પ્રસાદી તો નથી જ કે વારેવારે મળવાની કે પછી વારેવારે ‘આ બેલ મુજે માર’ની જેમ આપણે કૂતરા સામે ધસી જઈને એને ડીંગલી કરીને (હળી કરીને) પરાણે કરડવાનું આહ્વાન આપવાના. જો કે ત્યારે પણ અમે કૂતરાને ડીંગલી કરી નહોતી, પણ કાંકરીચાળો બીજા સામે કરવા ગયાં હતાં અને એ કાંકરો જઈને વાગ્યો કૂતરાને.
રામ જાણે! એણે એની કૂતરી ઉપરનો ગુસ્સો કે પછી કોઈ અન્યનો કે પછી ‘તું મને કંકર મારનાર કોણ? હજી છેડે તો મારી પ્રિય સખીઓ.’ - એવી કોઈક નાસીપાસ થયેલ અવસ્થામાં એ મને પગમાં કરડ્યો.
અમે જાણી જોઈને વોલ્યૂમ વધારીને ચીસો નાખી, કારણ કે અમને અત્યંત પીડા થઈ રહી છે એવું દૃશ્ય ખડું કરીને ત્રણ દિવસ બાદ શરૂ થઈ રહેલ પરીક્ષા આપવા કોલેજ જવું નહોતું. ‘ઓ મમ્મી રે...’ એમ કહી પહેલાં મમ્મીને પીગાળવાનું શરૂ કરેલું. પણ સ્ત્રીઓની છઠ્ઠી ઇન્દ્રિય ઘણી જ પાવરફુલ હોય છે એ વાત હું ભૂલી ગઈ હતી. જો હું આટલી સ્માર્ટ હોઉં તો મારી મમ્મી તો ઘણી વધારે સ્માર્ટ હોવાની. એ વાત મનમાં આવતાં જ મેં ‘દીકરી તો પિતાને ખૂબ જ વહાલી’ એ કથન કેટલું સાચું છે એ જાણવા... ‘ઓ મારા પપ્પા રે... મને બહુ દુખે છે... પપ્પા, કંઈક કરો. પ્લીઝ પપ્પા...’
પણ ત્યાંય મેં માર ખાધો. હું ભૂલી ગઈ હતી કે મારા પપ્પા પોઝિટિવિટી અને દરેક ઘટના પાછળ કંઈક સારું જ થવા જઈ રહ્યું છે એવાં વક્તવ્યના નિષ્ણાત તેમજ ચિંતક હતા. એમણે માથા પર હાથ ફેરવતાં કહ્યું :
‘બેટા, કોઈ પણ ઘટના બને છે એની પાછળ પરમ તત્ત્વનો હાથ હોય છે. કશુક ઘટે એની પાછળ પ્રભુ કંઈક નવું કરવા ચાહતો હશે...’
એ કેટલાંક ઉદાહરણો દ્વારા મને બે કલાક ભાષણ આપે એ પહેલાં જ મેં ગુસ્સો અને છણકો કરતાં કહ્યું, ‘પ્લીઝ પપ્પા, આજે પ્રવચન નહીં.... પ્લીઝ પપ્પા, આજે મને અને મારી વ્યથાને સમજો... ડૉક્ટરને ફોન કરી બોલાવો. મેં તો સાંભળ્યું છે કે આની ટ્રીટમેન્ટ ઘણી લાંબી હોય છે.’
ત્યાં તો ધીરે ધીરે ગામ આખાના નોકરીમાંથી નિવૃત્ત તેમજ કેટલાક જન્મજાત નિવૃત્ત, કેટલાક ગામના ચૌદશિયા, કેટલાક ઇવેન્ટ મેનેજમેન્ટ નિષ્ણાતો, કેટલાક ટાઇમપાસ કરવાની મજા આવશે એ આશાએ, કેટલાક પોતાના સલાહ - સૂચનોનો ભંડાર તેમજ અનુભવ અને જ્ઞાનનો ભંડાર ખાલી કરવા તો કેટલાક અદેખાઓ તેમ જ હંમેશના અહિત ચિંતકોએ મોઢા એટલી સલાહો, એટલાં સૂચનો, એટલા ટુચકાઓ, પ્રયોગો, એટલા ઊંટવૈદ્યોનાં સરનામાં અને કૂતરું ક્યાં, કઈ રીતે, શા માટે અને હજી કંઈ કર્યું જ નથી? ના નિ:સાસા નાખતા ટાઇમપાસ કરી રહ્યા હતા.
એક હરખપદુડો પોતાના ડૉક્ટર કાકાને ફી મળે એ માટે વગર પૂછ્યે જ લઈને હાજર થયો. એક વૈદ્ય કે જેને વર્ષોથી કોઈ દર્દી મળ્યા નહોતા એવા કેડેથી વાંકા વળી ગયેલા વૈદરાજ પધાર્યા. ગામડામાં આ જ તો મજા હતી. ડૉક્ટર, વૈદ્ય, સલાહકારો, પ્રોત્સાહકો તેમજ વિષય નિષ્ણાતો હાજરાહજૂર હોય છે.
આજે શહેરમાં જ આ ઘટના બને તો દૃશ્ય કંઈક આવું હોય. જેમ કે મને શહેરમાં (2026)માં કૂતરું કરડે તો ઘરે આવનાર ડૉક્ટર પોતાના લાભાર્થે પોતાના મિત્રની હૉસ્પિટલમાં મને રવાના કરે અને મારા પહોંચતાં વેંત તો એમની કટકી એમને મળી જાય. એ બાદ હૉસ્પિટલના ડૉક્ટર જાતજાતના ટેસ્ટ કરાવવા માટે બીજા પાંચ ડૉક્ટરોનાં પગથિયાં ચડ-ઉતર કરાવે. એમાંથી એ સહુનાં ખિસ્સામાં પોતપોતાની કટકી જમા થાય.
દવાની દુકાને પણ એમના અનુરોધ પ્રમાણે જ ચડ-ઉતર કરવી પડે. ...ખેર, મૂળ વાત પર આવીએ તો વૈદરાજે મૂળિયાં ઘસીને વગર પૂછ્યે પોતે કરેલા કંઈ કેટલા સફળ પ્રયોગો અને સાજા કરેલા આવા કેસના દર્દીઓનાં નામનું લિસ્ટ રજૂ કરીને કંઈ પણ સાંભળ્યા વિના ધરાર એમણે જડીબુટ્ટીઓની લુગદી મૂકીને પાટા બાંધી જ દીધા.
અમે પપ્પાને ફરી અમારી વેદનાનો ચિતાર રજૂ કરતાં કહ્યું, ‘પપ્પા, મને ખૂબ જ દુ:ખે છે. સારવાર કરવા સુરત જ જવું પડશે...’ પછી ધીમે રહી કહ્યું : ‘પપ્પા, પરમ દિવસથી અમારી પરીક્ષાઓ શરૂ થાય છે. (અમે આખું વર્ષ ચરી જ ખાધું છે...) પણ આ પગ જો નહીં માંડી શકું તો પરીક્ષા કેવી રીતે આપીશ?’ પ્રશ્ન અમે પપ્પાને પૂછ્યો હતો, પણ જવાબ આપવા આખું ગામ ઊમટી પડ્યું.
એક બોલ્યો, ‘અરે! પરીક્ષા કંઈ વારેવારે થોડી આવે છે? પેલી રમીલાબહેનની છોકરીને ગાડામાં બેસાડીને સુરત ભેગી અમે બે જણાએ કરી જ હતી ને.’ ત્યાં બીજો બોલ્યો, ‘વૈદરાજના પાટાથી બે વરસે સારી થશે એ વાત નક્કી છે. મારી છોકરીના કેસમાં અમે ઉલમાંથી ચૂલમાં પડેલા.’ તો ત્રીજા ભાઈએ તરત જ પોતે પોતાની વિદ્વતા પ્રસ્તુત કરવામાં રખે ને રહી જશે તો? આખરે આ યજ્ઞમાં તો મારા જેવા બુદ્ધિજીવીઓનું જ કામ. આખરે એક દીકરીની પરીક્ષાનો સવાલ છે. એટલે એણે કહ્યું, ‘એક કામ કરો. સુરતમાં એક હોટલનો રૂમ મહિના સુધી બુક કરાવો. ત્યાં રહીને દીકરી નેહા તેમજ એનાં મમ્મી પપ્પા નિષ્ણાત ડૉક્ટરનાં ઇન્જેક્શનો ચાલુ કરાવે. રિક્ષા કરાવીને કોલેજમાં પરીક્ષા પણ અપાવડાવે. જલદી સારી પણ થશે અને પરીક્ષા પણ આપતી જશે. એક પંથ દો કાજ. સમજ્યા?’
એ પછી તો વૈદ્યના મૂળિયાંનો લેપ ધરાર સાફ કર્યો અને ડૉક્ટરે આપેલ લાલ-પીળી ગોળીઓનું સેવન કરાવવામાં આવ્યું. કોઈ બકરાને સજાવતા હોય એમ ‘પરીક્ષાના બે જ દિવસ બાકી છે અને પરીક્ષા તો અપાવીને જ રહીશું‘ ની પ્રતિજ્ઞા લઈને ગામવાસી બેઠા હોય અને બાજુવાળા ગામના ડૉક્ટરને પણ લઈ આવીને એમની પણ સલાહ લેવી એમ નક્કી કરી કેટલાક પરદુ:ખભંજકોને ખૂબ ના કહેવા છતાં જાણે મને સાજી કરીને પરાણે પરીક્ષામાં બેસાડવાના હોય એમ ગાડું જોડીને ડૉક્ટર તેડવા નીકળ્યા.
ખબર નહીં કેમ, બાજુના ગામમાં પણ આ વાત પ્રસરી ગઈ હતી. એક હિતેચ્છુ તો તાંત્રિક લઈને જ આવી ગયા. એ તો સારું થયું કે અમારા પપ્પાએ તાંત્રિક ભાઈને ખૂણામાં લઈ જઈને નહીં ધૂણવાના પૈસા આપીને ત્યાંથી જ રવાના કર્યા. હવે આ બધા સબ દર્દો કી એક દવા હવે હું પોતે જ હતી. એટલે અમે કહ્યું, ‘ડૉક્ટરની દવાથી મને સારું છે...’ આમ કહીને આખરે મેં જ સભા વિખેરી. જો કે રાત્રે બાર વાગ્યે જે ગાડું બીજે ગામ ગયું હતું, એ એક નહીં પણ બે- ત્રણ ગામના ડૉક્ટર લઈને પધાર્યા હતા. અમે ફરી નોંધારાં થઈને રોતલ મ્હોં લઈને જે કહે તેમાં હા... હા... કરતાં રહ્યાં અને એમણે ઠેઠ સવારે ચા- પાણી કરીને પ્રસ્થાન કર્યું, ત્યારે પેલું કૂતરું જ સામે મળ્યું, પણ એણે તરત જ ડૉક્ટરને જોઈને દિશા બદલી નાખી!