Fri Sep 11 2026

Logo

કચ્છ બન્યું અગનભઠ્ઠો: સાઉદીના રણ જેવી પ્રચંડ ગરમીથી જનજીવન બેહાલ

2026-03-11 14:36:25
Author: Mumbai Samachar Team
કચ્છ બન્યું અગનભઠ્ઠો: સાઉદીના રણ જેવી પ્રચંડ ગરમીથી જનજીવન બેહાલ

ભુજઃ માર્ચ મહિનાની શરૂઆતમાં જ રણપ્રદેશ કચ્છ જાણે સૂર્યના પ્રકોપનો સામનો કરી રહ્યું હોય તેમ આ સમગ્ર જિલ્લો અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયો છે. પાકિસ્તાનના બલુચિસ્તાન તરફથી આવતા દક્ષિણ-પશ્ચિમી ગરમ પવનોએ કચ્છથી લઈને રાજધાની દિલ્હી સુધી આકરી 'લૂ'ની સ્થિતિ સર્જી છે. હવામાન વિભાગની 'યલો એલર્ટ' વચ્ચે સરહદી જિલ્લાના અનેક મથકોએ તાપમાનનો પારો ૪૦ થી ૪૨ ડિગ્રી સે.ની વચ્ચે નોંધાતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે.

જિલ્લા મથક ભુજમાં આજે મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સે. નોંધાયું હતું. વાગડથી લઈ કોટેશ્વર સુધી ઉના વાયરા ફૂંકાતા જનજીવન તોબા પોકારી ઊઠયું હતું. સવારથી જ સૂર્યનારાયણે આકરા તેવર બતાવતા આભમાંથી અગનજવાળાઓ વરસતી હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. કંડલા(એરપોર્ટ) કેન્દ્રમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચતા અંજાર-ગાંધીધામ વિસ્તાર ગરમીમાં શેકાયા હતા. 

જિલ્લા મથક ભુજમાં તાપમાન ૪૨ ડિગ્રી સે. નોંધાતાં સવારના સુર્ય નારાયણનાં દર્શન સાથે જ આભમાંથી અગનજવાળા વરસવાનું શરૂ થઈ ગયું હતું. બીજી તરફ શીતમથક નલિયામાં ૩૮ ડિગ્રી મહત્તમ, ૨૬ ડિગ્રી લઘુતમ તાપમાને બળબળતા તાપની આણ બરકરાર રહી હતી. સગડી બનેલી રણકાંધીના રાપરમાં ૪૨ જયારે ખાવડામાં ૪૧ ડિગ્રી તાપમાને ગરમીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, પવનોની દિશા હવાના દબાણને કારણે પલટાઈ છે જેને કારણે આ જીવલેણ ગરમીએ જનજીવનને બાનમાં લીધું છે. આગામી ત્રણ-ચાર દિવસ સુધી આ જાનલેવા ગરમીનો દોર યથાવત રહેવાની અને નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા હવામાન વિભાગે જણાવ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)