ભુજઃ કચ્છના પ્રગતિશીલ ખેડૂતો માટે અત્યાર સુધી 'બારહી' (ઇઝરાયલી ખજૂર) લોકપ્રિય હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુઓની પેટર્ન બદલી જતાં પાક બગડી જતો હતો અને કાચો પાક સસ્તા ભાવે વેચી આર્થિક નુકસાન વેઠવું પડતું હતું.
આ સમસ્યાના ઉકેલ તરીકે બંદરીય મુંદરા તાલુકાના ઝરપરા ગામના ખેડૂત એવા મેઘરાજભાઈ બારોટના ખેતરમાં કુદરતી રીતે ઉગી નીકળેલી સોના-૧૦૦ નામની આ જાત હવે આશાનું કિરણ બની છે.
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંલગ્ન ખારેક સંશોધન કેન્દ્રએ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે જેમાં મેઘરાજ નાથા બારોટ દ્વારા વિકસાવવામાં આવેલી ખારેકની 'સોના-૧૦૦' જાતનું દિલ્હી ખાતે 'પ્લાન્ટ પ્રોટેક્શન વેરાયટી એન્ડ ફાર્મર્સ રાઈટ્સ એક્ટ' હેઠળ સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થવાની સાથે કચ્છી મેવાની આ જાત ભારતમાં ખારેક પાક માટે રજીસ્ટર થનારી પ્રથમ પબ્લિક વેરાયટી બની છે.
આ ખારેકની જાતના વિકાસમાં યુનિવર્સિટીની નોડલ કમિટી અને વૈજ્ઞાનિકોનું વિશેષ યોગદાન રહ્યું છે. વર્ષ ૨૦૧૦માં મેઘરાજભાઈએ હૈદરાબાદની એસ.બાયોટેકનોલોજી લેબને ટિશ્યુ કલ્ચર માટે ઓફશૂટ આપ્યા હતા, જેના છોડ વર્ષ ૨૦૧૫માં તૈયાર થયા હતા.
ત્યારબાદ, મુંદરા ખારેક સંશોધન કેન્દ્ર ખાતે વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૯ દરમિયાન આ જાતનું પરીક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. પાંચ વર્ષના સફળ ઉત્પાદન ડેટા પછી, યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ ગત વર્ષ ૨૦૨૪માં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ, જે ડિસેમ્બર ૨૦૨૫માં પૂર્ણ થઈ હતી.
આ પ્રક્રિયામાં યુનિટ વડા ડી.એ. બૈડીયાવદરા, પૂર્વ સંશોધન નિયામક ડો. સી.એમ. મુરલીધરણ, ડો. કપિલ મોહન શર્મા અને કમિટી ચેરમેન ડો.આર.એન. પટેલનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું હતું.
ગત ૨૬મી ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે કુલપતિ ડો. એસ.ડી. સોલંકીની ઉપસ્થિતિમાં મેઘરાજભાઈને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ એનાયત કરાયું હતું.
'સોના-૧૦૦' જાતની ખારેકની વિશેષતા એ છે કે તેના ફળ આકર્ષક લાલ રંગના, ૨૫ ગ્રામથી વધુ વજન ધરાવતા અને અત્યંત મીઠા હોય છે. આ જાત વરસાદી વાતાવરણ સામે પણ ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે અને પ્રતિ વૃક્ષ ૧૦૦થી ૧૨૫ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
હાલમાં આ વેરાયટીના અંદાજે ૧૦,૦૦૦ જેટલા છોડનું વાવેતર થઈ ચૂક્યું છે. આ રજીસ્ટ્રેશનથી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાં પણ ખારેકનો વાવેતર વિસ્તાર વધશે. વિદેશોમાં પણ ભારતની આ ખારેકની તાજા ફળ તરીકે નિકાસ વધવાની ઉજળી તકો રહેલી છે, કારણ કે તેનો પલ્પ-ટુ-સ્ટોન રેશિયો સારો છે, જે ખજૂર બનાવવા માટે પણ અત્યંત અનુકૂળ છે. મેઘરાજભાઈએ આ જાતના અધિકારો પોતાના નામે રાખવાને બદલે અન્ય ખેડૂતો માટે ખુલ્લા મૂકીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.