Mon Sep 07 2026

Logo

કચ્છના કાંઠે ડ્રગ્સની ભરતી યથાવત: પિંગલેશ્વર દરિયાકિનારેથી ચરસનાં ૧૦ પેકેટ ઝડપાયાં

2026-05-16 13:29:00
Author: Mumbai Samachar Team
કચ્છના કાંઠે ડ્રગ્સની ભરતી યથાવત: પિંગલેશ્વર દરિયાકિનારેથી ચરસનાં ૧૦ પેકેટ ઝડપાયાં

ભુજઃ સીમાવર્તી જિલ્લા કચ્છના સમુદ્ર કાંઠાઓ પરથી પાકિસ્તાની ડ્રગ પેડલરો દ્વારા સુરક્ષા એજન્સીઓથી બચવા માટે દરિયામાં ફેંકી દેવાયેલા નશીલા પદાર્થોના પેકેટો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અબડાસા તાલુકાના પિંગલેશ્વર દરિયા કિનારેથી વિવિધ સુરક્ષા દળોના સંયુક્ત પેટ્રોલીંગ દરમિયાન માદક પદાર્થ ચરસના ૧૦ બિનવારસી પેકેટ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવાના ભાગરૂપે વિવિધ એજન્સીઓ દ્વારા સઘન સર્ચ ઓપરેશન અને પેટ્રોલીંગ ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પિંગલેશ્વરના દરિયાકિનારે સુરક્ષાકર્મીઓને અવાવરૂ જગ્યાએથી ૧૦ શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા. જખૌ પોલીસ ઇન્ચાર્જ પી.આઇ. રાજવીરાસિંહ ગોહિલ, સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના બી.બી. સંઘાર તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જોરાવરાસિંહ જાડેજા સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.

સંયુક્ત સુરક્ષા દળો અને એસઆરડીની ટુકડીએ દરિયાકાંઠેથી મળી આવેલા ચરસના તમામ ૧૦ પેકેટોનો કબજો મેળવ્યો છે. જખૌ પોલીસે આ માદક પદાર્થનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પેકેટો ક્યારે તણાઈને આવ્યા છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કેટલી છે, તે અંગે એફ.એસ.એલ.ની મદદથી આગળની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. 

(ઉત્સવ વૈદ્ય)