ભુજઃ કચ્છમાં તંત્રનું મેગા બુલડોઝર ફરી વળ્યું હતું. ગાંધીધામમાં ૨૭૨ દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો. તેમજ મુંદરામાં બે કરોડની ગૌચર જમીન મુક્ત કરાઈ હતી.
ગાંધીધામ શહેરને દબાણ મુક્ત બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ગત દીપોત્સવી પર્વથી શરૂ કરી દેવામાં આવેલી મેગા ડિમોલિશન ડ્રાઈવ ફરી આગળ વધી છે જેમાં ગોપાલપુરીથી ગણેશનગર સુધીના માર્ગને ‘આઈકોનિક રોડ’ બનાવવાના કાર્યમાં વિઘ્નરૂપ ૨૭૨ જેટલાં દબાણોને દૂર કરી દેવામાં આવ્યાં હતા.
ગાંધીધામ મનપાના દબાણ શાખાના ગાયત્રી પ્રસાદ જોશીના જણાવ્યા પ્રમાણે શહેરના જાહેર માર્ગો પર થતા દબાણોને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ આઈકોનિક રોડ બનવાથી શહેરીજનોને મોટી રાહત થશે. આગામી સમયમાં પણ અન્ય વિસ્તારોમાં આ જ પ્રકારે ડિમોલિશન ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. શહેરના વિકાસ અને ટ્રાફિકના હિતમાં કોઈપણ પ્રકારના બિનઅધિકૃત દબાણો ચલાવી લેવામાં આવશે નહીં.
ગત ૭મી ફેબ્રુઆરીના ગાંધીધામના ઓસ્લો સર્કલથી કોટેશ્વર ચાર રસ્તા સુધી ૨૪૫ દુકાનધારકને નોટિસ આપ્યા બાદ શુક્રવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાએ જેસીબી સહિતની મશીનરી સાથે ૨૪૪ દબાણ તોડી પાડયાં હતાં. તેમજ ૨૦૦થી વધુ દાણકારોને તેમના અનધિકૃત બાંધકામોને તાત્કાલિક સ્વેછાએ હટાવી લેવા નોટિસો પણ આપી હોવાનું ગાયત્રી જોશીએ ઉમેર્યું હતું.
આ ઉપરાંત મુંદ્રા તાલુકાના વવાર ગામની સીમમાં આવેલી કિંમતી ગૌચર જમીન પરના પાંચ જેટલા દબાણકારો દ્વારા ખડકી દેવામાં આવેલાં અતિક્રમણોને પ્રાગપર પોલીસે હટાવીને જમીનને ખુલ્લી કરાવી હતી. પશ્ચિમ કચ્છ પોલીસના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસરના દબાણ કરનારા વિરુદ્ધ ધાક બેસાડતી કાર્યવાહીના આદેશ આપ્યા બાદ પ્રાગપર પોલીસે મુંદરા તાલુકા વિકાસ અધિકારી એ.આર.ત્રિવેદીની દેખરેખ હેઠળ આ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, મુંદ્રાના વવાર ગામની સીમમાં સર્વે નંબર ૨૭૦ની સરકારી ગૌચર જમીન ઉપર અંજાર તાલુકાના ચાંદ્રોડા ગામના કાંતિ દેવરાજ મરંડ, કુંવરબેન મેમા બકુત્રા, રમેશ મેમા બકુત્રા, ગોવિંદ મેમા બકુત્રા અને બધા ભીમા આહીરે કાંટાળી તાર બાંધી બિનઅધિકૃત દબાણ કર્યું હતું. પ્રાગપર પોલીસે વહીવટી તંત્રને સાથે રાખી અહીં આવી અહીંથી ગૌચર જમીનમાંથી રૂા.૧,૯૫,૦૦,૦૦૦ના મૂલ્યની ૧૯.૫ એકર જમીન ખાલી કરાવી હતી.
સરપંચ માલશ્રીબેન બાબુભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત દ્વારા બેથી ત્રણ વાર નોટિસો આપવા છતાં આ ગૌચરનાં દબાણો ન દૂર થયાં કે ન નોટિસોનો જવાબ અપાયો હતો. આખરે ગ્રામ પંચાયતે દબાણ હટાવ કામગીરીનું શસ્ત્ર ઉગામવું પડયું હતું અને ગામની ગૌચર સર્વે નંબર ૨૭૦માં જે દબાણ હતું તેને દૂર કરાયું હોવાનું તેઓએ ઉમેર્યું હતું.
(ઉત્સવ વૈદ્ય)