Thu Jun 18 2026

Logo

કચ્છના ખાવડામાં વણફૂટેલા સેલને તોડવાનું ભારે પડ્યું, વિસ્ફોટમાં 8 વર્ષીય માસૂમ બાળકનું કરૂણ મોત

2026-03-02 12:10:00
Author: Mumbaisamachar Team
Article Image

ભુજઃ કચ્છના ખાવડા પંથકમાં ગઈકાલે સાંજે એક હૃદયદ્રાવક ઘટના ઘટી હતી. જેમાં વણફૂટેલા વિસ્ફોટક સેલને હથોડા વડે તોડવાના પ્રયાસમાં થયેલા પ્રચંડ ધડાકાએ એક આઠ વર્ષના નિર્દોષ બાળકનો ભોગ લીધો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા ભત્રીજાનું અમદાવાદ સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના ફુવા હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

મૂળ ભચાઉના વતની અને હાલ મજૂરી અર્થે ખાવડાના પ્રણવનગર (કોલીવાસ) વિસ્તારમાં રહેતા અરવિંદ કોલીના પરિવાર પર આભ ફાટ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે સાંજે ભુજ-ખાવડા માર્ગ પર સ્થિત રહેણાંક વિસ્તારમાં એક વણફૂટેલા સેલને હથોડા વડે તોડવાની કોશિશ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકો થયો હતો, જેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો.

આ બ્લાસ્ટમાં આઠ વર્ષીય ભાવેશ અરવિંદ કોલી અને તેના ફુવા રામા શંભુ કોલી (ઉ.વ ૨૭) લોહીલુહાણ હાલતમાં ફેંકાઈ ગયા હતા. માસૂમ ભાવેશને પેટ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર બાદ ભાવેશની હાલત વધુ લથડતા તેને મોડી રાત્રે તાકીદે અમદાવાદ રિફર કરવામાં આવ્યો હતો. પરંતુ, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા અરવિંદએ પોતાનો લાડકવાયો પુત્ર ગુમાવતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ  હતી.

બીજી તરફ, ઇજાગ્રસ્ત રામા શંભુ હાલ અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે. વણફૂટેલા સેલ જેવી જોખમી વસ્તુ સાથેની આ છેડછાડ એક પરિવાર માટે ક્યારેય ન ભૂલી શકાય તેવું દુઃખ આપી ગઈ છે.

(ઉત્સવ વૈદ્ય)